Proud of Gujarat
FeaturedGujarat

આપી શકાય ત્યાં સુધી તે ભરપૂર પ્રેમ આપ્યો ને પછી સાત દરિયા ભરીને દર્દ પણ આપ્યું.

Share

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ ભાગદોડવાળી જિંદગી જોવા મળી રહી છે. કેટલાક લોકો સવારના સમયમાં થોડી હળવી કસરત કરવા માટે બગીચામાં જઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો 40 વર્ષથી ઉપરના છે. ખૂબ જ ઓછી સંખ્યામાં યુવાનો બગીચામાં આવી હળવી કસરતો કરી રહ્યા છે. તેમાં પણ યુવતીઓ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. શહેરના બગીચામાં મહર્ષિ નામનો યુવાન નિયમિત કસરત કરવા માટે આવી રહ્યો છે તો શ્વેતા નામની જ્યોતિ પણ વહેલી સવારથી બગીચામાં જોવા મળી રહી છે. શ્વેતા અને મહર્ષિ એકબીજાથી સાવ અજાણ છે પરંતુ નિયમિત રીતે બગીચામાં કસરત કરવા માટે આવતા હોવાથી એકબીજાને ચહેરાથી ઓળખે છે. નિયમિત રીતે મળવાના કારણે એક દિવસ શ્વેતા કસરત કરતી વખતે યુવાનને ઉભો રાખી તેનું નામ પૂછે છે. શ્વેતાએ પૂછ્યું આપનું નામ શું છે ત્યારે પેલા યુવાને જવાબ આપ્યો કે મહર્ષિ. મહર્ષિ યુવતીનું નામ પૂછતો નથી અને પોતાનું સંપૂર્ણ ધ્યાન કસરતમાં લગાવી રહ્યો છે. થોડીવાર પછી શ્વેતાએ જાતે જ પોતાનો પરિચય આપ્યો. બગીચામાં કસરત કરતી વખતે થયેલો પરિચય હવે નિયમિત મુલાકાતના કારણે મિત્રતામાં પરિવર્તિત થઈ ગયો છે. હવે શ્વેતા અને મહર્ષિ એક સાથે જ બગીચામાં કસરત કરવા માટે આવી રહ્યા છે અને સાથે બેસીને થોડી ઘણી વાતચીત કરી રહ્યા છે. મહર્ષિના કારણે શ્વેતાના જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે. શ્વેતા બગીચામાં સવારે અનિયમિત આવતી હતી હવે તે મહર્ષિના કારણે નિયમિત બગીચામાં આવતી થઈ ગઈ છે. શ્વેતા મહર્ષિ તરફ આકર્ષાય છે અને મહર્ષિને પ્રેમ કરવા લાગે છે. પરંતુ હજુ સુધી મહર્ષિના મનમાં શ્વેતા પ્રત્યે કોઈ પ્રેમનો ભાવ જાગ્યો હોય તેવું લાગતુ નથી. શ્વેતા મહર્ષિનું અનુકરણ કરવા લાગી છે અને મહર્ષિને શું ગમે છે અને શું નથી ગમતું તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. શ્વેતા મહર્ષિને ખુશ રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે. એક દિવસ મહર્ષિ શ્વેતાને પૂછે છે કે આપણે મિત્રો બન્યા ત્યારથી હું જોઈ રહ્યો છું કે તું ખૂબ વધારે મારી કાળજી લઇ રહી છું ત્યારે શ્વેતા વચ્ચેથી જ અટકાવતા કહે છે કે આપણે મિત્ર બન્યા ત્યારથી તું મને મિત્ર માની રહ્યો છું પરંતુ હું તને મિત્ર માનતી નથી, તને તો હું મારો પ્રેમ માનું છું. આ સાંભળીને થોડીવાર માટે તો મહર્ષિ કંઈ બોલી શકતો નથી. મહર્ષિએ કહ્યું કે આપણે તો એક સારા મિત્ર છીએ એમાં પ્રેમની વાત ક્યાં આવી. શ્વેતાએ હસીને કહ્યું તું મને પ્રેમ કરતો હોય કે ન કરતો હોય પરંતુ હું તો તને ભરપૂર પ્રેમ કરું છું અને તને જ પામવા માંગુ છું.

Advertisement

શ્વેતા શ્રીમંત પરિવારમાંથી આવતી હોવાથી હાથ છૂટો રાખીને પૈસા વાપરી રહી છે જ્યારે મહર્ષિ મધ્યમ પરિવારનો યુવાન હોવાથી કરકસર પૂર્ણ રીતે જરૂરી હોય ત્યાં જ ખર્ચ કરી રહ્યો છે. પૈસા ક્યારેય મહર્ષિ અને શ્વેતાના પ્રેમમાં વિઘ્ન બનતા નથી. શ્વેતાને જ્યારે ખબર પડે છે કે મહર્ષિ કોઈ સારી નોકરીની શોધમાં છે ત્યારે શ્વેતા પોતાની કંપનીમાં જ પિતાજીને ભલામણ કરીને મહર્ષિને નોકરી અપાવે છે અને એક નાનકડા ઇન્ટરવ્યુ પછી મહર્ષિને શ્વેતાના પિતાજીની કંપનીમાં નોકરી મળી જાય છે. પોતાની જ કંપનીમાં મહર્ષિ નોકરી પર આવતો હોવાથી શ્વેતા મહત્તમ સમય તેની સાથે પસાર કરવા પ્રયાસ કરે છે ત્યારે મહર્ષિ કહે છે કે આ કંપની તારી છે એટલે તું કંઈ પણ કરી શકે છે પરંતુ હું અહીં નોકરી પર આવું છું એટલે નોકરીના સમય દરમ્યાન હું પ્રેમની વાતો નહીં પરંતુ કંપનીના પ્રગતિની કંપનીના હિતની વાતો કરીશ. આ સાંભળીને શ્વેતા ખુબ જ ખુશ થઇ જાય છે અને કંપનીમાં પછી તે ક્યારેય મહર્ષિને મળતી નથી પરંતુ નોકરીનો સમય પૂરો થયા પછી શ્વેતા મહર્ષિને મળવાની કે તેની સાથે સમય પસાર કરવાની એક પણ તક જવા દેતી નથી. મહર્ષિ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કંપનીને મહત્તમ ફાયદો થાય અને પ્રગતિ થાય તે રીતે કામ કરી રહ્યો છે. મહર્ષિ નિષ્ઠા જોઈ કંપનીના અન્ય સહ-કર્મચારીઓ પણ મન લગાવીને કામ કરી રહ્યા છે જેના કારણે કંપનીનો વાર્ષિક નફામાં વધારો થાય છે. આ વાતની શ્વેતાના પિતાજી નોંધ લે છે કે મહર્ષિના આગમન પછી કંપનીના કર્મચારીઓમાં કંપની પ્રત્યે પોતાનાપણાનો ભાવ જાગ્યો છે અને કંપનીને મહત્તમ ફાયદો મળી રહ્યો છે. શ્વેતાના પિતા મહર્ષિ સહિત કંપનીના અન્ય કર્મચારીઓના પગારમાં વધારો કરે છે જેના કારણે મહર્ષિ કંપનીના સહકર્મચારીઓનો લાડલો બની જાય છે અને બધા કહે છે કે મહર્ષિના આગમનના કારણે અમે પોતાના માટે કામ કરી રહ્યા છીએ અને સામે સારા એવા પ્રમાણમાં દામ પણ મેળવી રહ્યા છીએ. બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હોય છે ત્યારે એક દિવસ એવી ઘટના બને છે કે કંપનીમાંથી છુટયા પછી મહર્ષિ અને શ્વેતા કંપનીની બહાર જ મળી રહ્યા હોય છે ત્યારે શ્વેતાના પિતાજીની નજર તેમના પર પડી જાય છે. શ્વેતા મહર્ષિને ભરપૂર પ્રેમ આપી રહી છે અને શક્ય એટલી મહર્ષિને મદદરૂપ બની રહી છે પરંતુ કોણ જાણે કે મહર્ષિ અને શ્વેતાના પ્રેમને નજર લાગી ગઇ હોય કેવી ઘટના બને છે. મહર્ષિ અને શ્વેતાના પ્રેમની શ્વેતાના પિતાજીને જાણ થઈ જાય છે અને તેઓ શ્વેતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે મારા કંપનીના કર્મચારી સાથે તું પ્રેમ કરી એ મને સહેજ પણ પસંદ નથી. હવે તારી પાસે બે જ વિકલ્પ છે કે તુ મહર્ષિને પસંદ કરીશ કે પરિવારને. શ્વેતા એક પણ શબ્દ બોલી શકતી નથી અને રડવા લાગે છે. આજ સમયે શ્વેતાના પિતાજી કંપનીમાં ફોન કરી મહર્ષિને તાત્કાલિક અસરથી કંપનીમાંથી છૂટો કરે છે. મહર્ષિ કંઈ સમજી શકતો નથી પરંતુ વધુ વિચાર કર્યા વગર શ્વેતાને ફોન કરે છે. પણ ફોન પર શ્વેતા નહીં પરંતુ તેના પિતાજી જવાબ આપે છે કે તું શ્વેતા અને કંપનીને ભૂલી જજે. આ સાંભળીને મહર્ષિ ખૂબ દુઃખી થાય છે. શ્વેતા સાથે અનેક વખત વાત કરવાના પ્રયાસો કરવા છતાં મહર્ષિને નિષ્ફળતા મળે છે. તો આ બાજુ શ્વેતા ખૂબ નિરાશ થાય છે અને મહર્ષિનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે પણ મહર્ષિ સાથે વાત કરી શકતી નથી. શ્વેતાના પિતાજી શ્વેતાને વિદેશ મોકલી દે છે. વિદેશમાં રહીને શ્વેતા મહર્ષિને યાદ કરી રહી છે. વિદેશમાં શ્વેતાના લગ્ન નક્કી કરવામાં આવે છે અને શ્વેતાના પિતાજી ધમકી આપતા કહે છે કે જો તું લગ્ન નહીં કરે તો તારા માતા-પિતાને તું ગુમાવી દઈશ અને અમારે તારા કારણે આત્મહત્યા કરવી પડશે. આ સાંભળીને શ્વેતા સ્તબ્ધ થઈ જાય છે અને રડતા રડતા લગ્ન કરવાની હા પાડે છે. વિદેશમાં શ્વેતાના ભારતીય યુવક સાથે લગ્ન કરી દેવામાં આવે છે. તો આ બાજુ ભારતમાં રહી મહર્ષિ સતત શ્વેતાને યાદ કરી રહ્યો છે અને શ્વેતા ને પામવા માટે પ્રયાસો કરી રહ્યો છે. થોડા મહિનાઓ પછી જ્યારે મહર્ષિને સંદેશો પહોંચાડવામાં આવે છે કે શ્વેતાના લગ્ન થઇ ગયા છે. આ સાંભળીને મહર્ષિના પગ નીચેથી જમીન ખસી જાય છે અને મહર્ષિ જમીન પર ઢળી પડે છે. મિત્રો મહર્ષિને તેના જૂના દિવસો ભૂલી ફરીથી નવી જિંદગી શરૂ કરવા માટે સતત સમજાવી રહ્યા છે પરંતુ મહર્ષિ શ્વેતાને ભૂલી શકતો નથી. શ્વેતા થોડા વર્ષો બાદ જ્યારે ભારતમાં આવે છે ત્યારે મહર્ષિને મળવા માટે જાય છે અને ભેટી પડે છે. શ્વેતા મહર્ષિને કહે છે કે મે પ્રેમમાં વિશ્વાસઘાત નથી કર્યો પરંતુ પરિસ્થિતિ જ એવી નિર્માણ થઇ કે આપણે બંને છુટા પડવું પડ્યું અને મારે લગ્ન કરવા પડ્યા. શ્વેતા વિગતવાર સમગ્ર પરિસ્થિતિની મહર્ષિને વાત કરે છે ત્યારે મહર્ષિ ફક્ત એટલું જ કહે છે કે શ્વેતા તે આપી શકાય ત્યાં સુધી ભરપૂર પ્રેમ આપ્યો છે ને પછી સાત દરિયા ભરીને દર્દ પણ આપ્યું.


Share

Related posts

આગામી 24 કલાકમાં શાહીન વાવઝોડાનો ગુજરાતને ખતરો : જાણો શું છે ભરૂચ નજીકના દહેજ બંદરની સ્થિતિ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે એક ગૌરવ કહેવાય

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!