કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
હિંદુ ધર્મમાં ઉજવવામાં આવતા દરેક તહેવારોનું ધાર્મિક મહત્વ તો હોય જ છે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. વાત જો હોળી ધુળેટીના તહેવારની કરવામાં આવે તો તેનુ પણ ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનીક મહત્વ છે જ. એવું દ્રઢ પણે માનવામાં આવે છે કે હોળી ધુળેટીના તહેવારમાં મનુષ્યના મનના વિકારો દુર થઈ જાય છે અને હોળીના રંગોની માફક મન પ્રફુલ્લિત બની જાય છે. ભારતમાં ઉજવવામાં આવતા દરેક તહેવારનો મિજાજ કંઇક અલગ જ હોય છે. તેમાં પણ હોળી ધુળેટીના તહેવારની તો પખવાડીયા પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. વર્ષોથી અબોલા હોય, ઝગડો થયો હોય કે દુશ્મનાવટ હોય તો પણ હોળી ધુળેટીના તહેવારમાં તમામ લોકો મતભેદની સાથે મનભેદ ભુલીને પ્રેમના રંગે રંગાઇ જાય છે અને વસંતના વૈભવને વધાવતા રંગોત્સવમાં મસ્ત બની જાય છે.
કોલેજના શરૂઆતના દિવસોમાં શ્રેયા નામની હસમુખી, હેતાળ યુવતી અભ્યાસમાં પુરતુ ધ્યાન આપી રહી છે અને અભ્યાસ સિવાયની કોઇ પણ પ્રવૃતિમાં સામેલ થતી નથી. શ્રેયા કોઇની સાથે ઝડપથી વાતચીત પણ કરવાનું ટાળી રહી છે. કોલેજમાં સાથે અભ્યાસ કરતા નિલયનો સ્વભાવ પણ શ્રેયા જેવો જ છે. એટલે સહજ રીતે શ્રેયા અને નિલયની મિત્રતા થઇ જાય છે. કોલેજમાં શ્રેયા, નિલય સાથે જોવા મળી રહ્યા છે અને સાથે ખુશી વહેચી રહ્યા છે. પરંતુ કોલેજના કેટલાક ઇર્શાળુ લોકોને શ્રેયા તથા નિલયની નિકટતા પસંદ આવતી નથી અને સતત તેમની ઇર્ષા કર્યા કરે છે. કોલેજમાં હોળી ધુળેટીનો તહેવાર ધામધુમથી ઉજવવાનું નક્કી કરવામાં આવતા શ્રેયા નિલય ખુબ હરખાઇ જાય છે. કોલેજમાં રંગોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવે તે પહેલા શ્રેયા પુછે છે કે નિલય હોળીના તહેવારનું ધાર્મિક મહાત્મય શુ છે ત્યારે નિલયે કહ્યુ કે, “ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળીના તહેવાર સાથે અનેક પુરાણીક કથાઓ જોડાયેલી છે. હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો અને તેને આકરૂ તપ કરવાથી બ્રહ્માજીએ વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં’, આ વરદાનને કારણે હિરણ્યકશ્યપ લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું હતુ. જેના કરણે હિરણ્યકશ્યપ અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. હિરણ્યકશિપુએ સ્વર્ગ અને પૃથ્વિ પર આતંક મચાવી દીધો હતો. હિરણ્યકશ્યપએ ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કરી દીધુ હતુ. પરંતુ હિરણ્યકશ્યપનો પોતાનો પૂત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હોય છે જે હિરણ્યકશ્યપને પસંદ પડતુ નથી. હિરણ્યકશ્યપએ ભક્ત પ્રહલાદને અનેક પ્રકારના પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા હતો પરંતુ પ્રહલાદ ડગ્યા નહીં, પોતાની ભક્તિ ચાલુ રાખી હતી. હિરણ્યકશ્યપએ પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા હતા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વખતે નિષ્ફળ રહ્યો હતો. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશ્યપએ બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસાડીને અગ્નિપરિક્ષા આપવાનો ક્રુર આદેશ આપ્યો હતો. હોલિકા પાસે એક એવી ઓઢણી હતી કે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું અક્ષરસહ પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી હતી. જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ચમત્કારીક ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ જાય છે. હોલિકા અગ્નિમાં બળી ને ખાખ થઇ જાય છે અને ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિના કારણે હેમખેમ રહે છે. હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની છે.”
તો પછી હિરણ્યકશ્યપનો વધ કરી રીતે થયો હતો તેવો શ્રેયાએ પ્રશ્ન કર્યો ત્યારે નિલયે કહ્યુ કે “ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપનો વધ કરવામાં આવ્યો હતો અને આ કથા ખુબ જ પ્રચલીત છે. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર એટલે કે ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનુ શરીર ધારણ કરીને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંમરાની વચ્ચે, પોતાનાં ખોળામાં આડો પાડીને, નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. ત્યારથી હોળીના તહેવારને આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે.” કોલેજમાં શ્રેયા નિલય સહિતના મિત્રો દ્વારા રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શ્રેયા નિલયના પ્રેમને તોડવા માટે કોલેજમાં ષડયંત્રો રચવામાં આવે છે અને જાણે અજાણે શ્રેયાનો નિલય પરથી વિશ્વાસ ડગી જાય છે. આંખ બંધ કરીને નિલય પર વિશ્વાસ કરતી શ્રેયા હવે નિલય તરફ શંકાની નજરથી જોવા લાગી છે. થોડા દિવસોમાં નિલય પણ સમજી જાય છે કે નક્કી શ્રેયા કોઇના કહેવામાં આવી ગઇ છે એટલે આવુ વર્તન કરી રહી છે. નિલય શ્રેયાને સમજાવવા માટે અને વિશ્વાસ અપાવવા માટે અનેક પ્રયાસો કરે છે પરંતુ નિલયને નિષ્ફળતા મળે છે. એક દિવસ એવો પણ આવે છે કે કોલેજના કેમ્પસમાં કેટલાક યુવકો દ્વારા શ્રેયાની મસ્કરી કરવામાં આવે ત્યારે શ્રેયા તેમ જ સમજે છે કે આ નક્કી નિલયના મિત્રો છે અને મને હેરાન કરવા માટે તેમને નિલયે મોકલ્યા છે. શ્રેયા આ યાદ રાખે છે અને થોડી વારમાં જેવો નિલય આવે છે અને શ્રેયા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે શ્રેયા ગુસ્સા સાથે સ્પષ્ટ કહી દે છે કે નિલય હું તો તને ભુલી જઇશ અને તું પણ મને ભુલી જજે. તે મારા પ્રેમની મશ્કરી કરી છે એ મને સહેજ પણ પસંદ નથી. તારે મને જે કહેવુ હતુ તે કહી શક્યો હોત અને તને કોઇ બીજી યુવતી ગમતી હશે તો તું તેની સાથે રહી શકે છે. જ્યારે નિલય જવાબ આપવા જાય છે ત્યાં તો શ્રેયા હવે આપણે સાથે નહી રહી શકીએ તેમ કહીને ત્યાંથી નિકળી જાય છે. નિલય કાંઇ સમજી શકતો નથી કે શ્રેયાએ આવુ વર્તન કેમ કર્યુ હશે અને મને છોડીને કેમ જતી રહી? પરંતુ નિલયની અચાનક નજર રોહન અને તેના મિત્રો પર પડે છે કે તેઓ ખડખડાટ હસી રહ્યા છે. નિલય સમજી જાય છે કે રોહન અને તેના મિત્રોએ જ આ ષડયંત્ર રચ્યુ છે પરંતુ હવે એ પ્રશ્ન થાય છે કે આ વાતનો શ્રેયાને કઇ રીતે વિશ્વાસ અપાવવો. નિલય પણ એક યુક્તિ વિચારે છે અને તે પ્રમાણે કામકરવાનું શરૂ કરે છે. નિલય યોજના પુર્વક પરીક્ષા પુર્ણ થયા પછી સતત છ મહીના સુધી કોલેજ આવતો નથી. શ્રેયા સહિતના બધા લોકો તો એમ જ સમજે છે કે નિલય હવે ક્યારેય કોલેજમાં નહી આવે. કોલેજમાં સતત બીજા વર્ષે રંગોત્સવના તહેવારની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવે છે. જેની જાણ નિલયને થતા તે ખુબ જ હરખાઇ જાય છે અને નિલય શ્રેયાની ખાસ બહેનપણીને મળવા માટે બોલાવે છે પરંતુ તે નિલયને મળવા આવવાની ના પડી દે છે. અનેક વખતના પ્રયત્નો પછી શ્રેયાની મિત્ર નિલયને મળવા આવે છે અને નિલય જે વિડીયો ફુટેઝ બતાવે છે તે જોઇને ખુબ જ રડવા લાગે છે. શ્રેયાની મિત્ર કહે છે કે હું રોહનના કારનામાં કોલેજના રંગોત્સવમાં ખુલ્લા પાડીશ અને પ્રેમી પંખીડોઓને એક કરીશ. કોલેજમાં રંગોત્સવના પ્રારંભ પુર્વે મોટી સ્ક્રીન પર વિડીયો બતાવવામાં આવે છે કે રોહને કઇ રીતે ષડયંત્ર રચીને શ્રેયાને નિલયથી દુર કરી. નિલયે સતત છ મહીના સુધી રોહનના કારનામા રેકોર્ડ કર્યા હતા. આ જોઇને રોહન તો સ્તબ્ધ થઇ જાય છે. શ્રેયા હાથમાં રંગ લઇને દોડીને નિલયને રંગે છે અને ભેટી પડે છે. વસંતના વૈભવને વધાવતા રંગોત્સવમાં પ્રેમી પંખીડાઓનું પુનઃ મિલન થાય છે.(તસવીર સૌજન્ય ડો.શ્રધ્ધા પાટીલ)
-નીલકંઠ વાસુકિયા (વિરમગામ)