કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પહેલાના દિવસો છે અને કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખુબ ઓછી જોવા મળી રહી છે. આવા સમયે પણ કોલેજમાં નિયમીત અભ્યાસ કરવા માટે જીગર, જાનવી અને તેના મિત્રો આવી રહ્યા છે. જીગર અને જાનવીના કોલેજના અંતિમ દિવસો સુધી અભ્યાસ કરવા માટે આવવાના આમ તો બે મુખ્ય કારણ છે. એક તો બન્ને પ્રેમી યુગલો સાથે વધુમાં વધુ સમય પસાર કરી શકે અને બીજી કે કોલેજના અભ્યાસની સાથે મિત્રો સાથે કોલેજના છેલ્લા દિવસો સુધી હસી મજાક કરી શકાય. કોલેજના ક્લાસરૂમમાં માત્ર ચાર પાંચ વિદ્યાર્થીઓ જ આવ્યા છે ત્યારે પ્રોફેસર આવીને પુછે છે કે તમે ખરેખર ભણવા માટે આવ્યા છો કે મારો પગાર વસુલ કરવા આવ્યા છો? આ સાંભળીને જીગર, જાનવી સહિતના મિત્રો ખડખડાટ હસી પડે છે. જીગરે કહ્યુ કે, સાહેબ અમે તો ભણવાની સાથે મજા કરવા આવ્યા છીએ નહી કે આપનો પગાર વસુલ કરવા માટે. એ…… સારૂ હો તેમ પ્રેફોસરે કહીને ક્લાસરૂમમાં ભણાવવાનું શરૂ કર્યુ ત્યારે જાનવીએ કહ્યુ કે સર પરીક્ષામાં આઇએમપી હોય તેવુ અમને શીખવાડજો જેથી આ જીગરને પાસ થવામાં વાંધો ન આવે. જીગરે કહ્યે કે, જાનવી હું તો પ્રેમની પરીક્ષામાં તો પાસ થઇ ગયો છુ પછી કોલેજની પરીક્ષામાં નપાસ થવાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી. મારા માટે તો પ્રેમની પરીક્ષા સૌથી અઘરી હતી અને એમા તે મને ખુશી થી પાસ કરી દીધો છે. જાનવીએ કહ્યુ કે, જીગર પ્રેમની પરીક્ષા તો મે લીધી હતી એટલે તું વગર મહેનતે પાસ થઇ ગયો છું પરંતુ કોલેજની પરીક્ષા હું નથી લેવાની એટલે તારે થોડી મહેનત કરવી પડશે. પ્રેફોસરે વચ્ચે બોલતા કહ્યુ કે, જીગર તું હોશિયાર વિદ્યાર્થી છું પરંતુ પરીક્ષા સુધી તું પ્રેમના બદલે કોલેજની પરીક્ષાની તૈયારીઓ કરીશ તો સારા માર્ક્સ સાથે ચોક્કસ પાસ થઇ જઇશ. સાહેબ અહી કોને સારા માર્ક્સ સાથે પાસ થવુ છે મને તો મારી જાનવી મળી ગઇ એટલે કોલેજ કરવાની મહેનત વ્યર્થ નહી જાય. પરંતુ આ સમયે જાનવી કહે છે કે, જીગર આપણે બન્ને પરીક્ષામાં ઉત્તમ પરીણામ પ્રાપ્ત કરવા માટે થોડા દિવસો સુધી સંપર્કમાં નહી રહીએ અને હવે પછી આપણે પરીક્ષા પુર્ણ કરીને જ મળીશુ. પ્રોફેસરે કહ્યુ કે બરાબર છે, પ્રેમ તો આખી જીંદગી કરી શકો છે પરંતુ જીંદગી બનાવવા માટે કોલેજની અંતિમ પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરવી અનિવાર્ય છે. જીગર કહે છે કે, કોલેજની પરીક્ષા તો હું સારા માર્ક્સ સાથે ત્યારે જ પાસ કરી શકીશ કે જ્યારે જાનવી તું મારી સાથે હોય, તારા વગર હું પાસ નહી થઇ શકુ. જાનવીએ કહ્યુ કે હું ક્યાં તને છોડીને જતી રહુ છું, આ તો થોડા દિવસો પછી ફરીથી આપણે પહેલાની જેમ જ મળતા રહીશુ અને અઢળક પ્રેમ પણ કરતા રહીશુ. તો પણ સતત દશ દિવસ સુધી આપણે ન મળીએ તો મારા માટે જીવવું મુશ્કેલ બની શકે છે. તું મને કોલેજમાં તો જોઇ જ શકવાનો છું પણ આપણે સંવાદ નહી કરીયો. આખરે જાનવીની જીદના કારણે જીગર પરીક્ષા સુધી નહી મળવા માટે તૈયાર થાય છે અને જીગર, જાનવી તથા તેના મિત્રો આજે કોલેજનો છેલ્લો પીરીયડ ભણીને છુટા પડે છે. કોલેજના ક્લાસરૂમમાંથી બહાર નિકળતા સમયે જીગર, જાનવી અને તેના મિત્રોની આંખોમાં આંસુ આવી જાય છે. જીગરની આંખો જાનવીને નિહાળી રહી છે અને જાનવી જ્યાં સુધી કોલેજથી ઘરે જવા માટે નિકળતી નથી ત્યાં સુધી જીગર એક જ નજરથી મનભરીને જાનવીને નિહાળી રહ્યો છે. કેમ કે દસ દિવસ સુધી જાનવી હવે જીગરને મળવાની નથી. અહીથી જ જાનવીને ભરપુર પ્રેમ કરતા જીગરને દર્દ મળવાની શરૂઆત થાય છે.
જીગર કોલેજથી સીધો ઘરે આવે છે અને પરીક્ષાની તૈયારી કરવા માટે ચોપડી હાથમાં પકડે છે પરંતુ તેનું મન પરીક્ષાની તૈયારીમાં લાગતુ નથી. જીગર જાનવીના વિચારોમાં જ ખોવાયેલો રહે છે અને વિચારવા લાગે છે કે જાનવી દશ દિવસ સુધી મારા વગર એકલી રહી શકશે કે કેમ? આવા અનેક વિચારોમાં ખોવાયેલો જીગર ચોપડી બાજુમાં મુકીને સતત મોબાઇલ હાથમાં પકડીને બેસી રહ્યો છે. જીગરને સતત એમ લાગ્યા કરે છે કે હમણા જાનવીનો મેસેજ આવશે, ફોન આવશે પરંતુ જીગરની બધી આશાઓ ઠગારી નિવડે છે અને જાનવીનો ફોન કે મેસેજ આવતા નથી. તો આ બાજુ જાનવી પણ જીગરના વિચારોમાં ખોવાયેલી રહે છે અને જીગર શું કરતો હશે તેમ વિચાર્યા કરે છે. જાનવી જીગરને એક વખત ફોન કરવા માટે ફોન પણ હાથમાં લે છે પરંતુ ફરીથી મનને મનાવીને જાનવી કોલેજની પરીક્ષાની તૈયારી કરવા લાગી જાય છે. જાનવી તો પરીક્ષાની તૈયારીમાં મસ્ત બની જાય છે પરંતુ જીગર પરીક્ષાની તૈયારી કરવાના બદલે જાનવીના વિરહમાં ખોવાયેલ રહે છે અને ચારેબાજુ પોતાની જાનવીને જ શોધ્યા કરે છે. આખરે પરીક્ષાનો દિવસ આવી જાય છે અને જીગર આજે તો કોલેજમાં જાનવી જોવા મળશે તેમ વિચારીને કોલેજમાં સમય કરતા પણ વહેલો આવી જાય છે અને જાનવીને શોધ્યા કરે છે. પરીક્ષા શરૂ થવાને માત્ર ગણતરીની મિનીટો જ બાકી હોય છે ત્યારે જાનવીની બહેનપણીને જોઇને જીગર હરખાઇ જાય છે અને તેની પાસે દોડીને જઇને પુછે છે કે, જાનવી ક્યાં છે ત્યારે જીગરને ખબર પડે છે કે જાનવીનો પરીક્ષા માટે બીજી કોલેજમાં નંબર આવ્યો છે. આ જાણીને જીગર ખુબ નિરાશ થાય છે અને પરીક્ષા આપવા માટે ક્લાસરૂમમાં જાય છે. કંઇ પણ તૈયારી કર્યા વગર જીગર પરીક્ષામાં બહુ વધારે લખી શકતો નથી અને જે યાદ આવે છે તે લખ્યા કરે છે. પોતાનું પેપર સમય કરતા વહેલુ આપીને જીગર પોતાની પ્રેમીકા જાનવીની એક ઝલક નિહાળવા માટે જાનવીનો જે કોલેજમાં નંબર આવ્યો છે ત્યાં બહાર ઉભો રહી જાય છે. જેવી જાનવીની નજર જીગર ઉપર પડે છે કે જગર હર્ષોલ્લાસથી ઉછળવા લાગે છે તો જાનવી પણ ખુબ જ ખુશ થાય છે. પરંતુ આ દ્રશ્ય જાનવીના પિતાજી જોઇ જાય છે અન તે જાનવીને ત્યાંથી દુર લઇ જાય છે. જીગરને પણ ખબર પડી જાય છે કે જાનવીના પિતાજી નારાજ થઇ ગયા છે. જાનવી જેવી ઘરે પહોંચે છે કે તરત જ ઘરના બધા સભ્યો જાનવીને ઠપકો આપવા લાગે છે અને ફરીથી ક્યારેય જીગરની સામ પણ જોવાની મનાઇ ફરમાવવામાં આવે છે. જાનવીના માતા પિતા સ્પષ્ટ કહી દે છે કે જો તું જીગરને નહી ભુલે તો અમે જીગરની જીંદગી ખતમ કરાવી દઇશુ. આ સાંભળીને જાનવી ખુબ જ ડરી જાય છે અને જીગરને પત્ર લખીને ભુલી જવા માટે સ્પષ્ટ જણાવી દે છે. જાનવીનો પત્ર જેવો જીગર વાંચે છે કે તેના પગ નીચેથી જમીન ખસી જાય છે. જીગર કાંઇ સમજી શકતો નથી કે જાનવીએ આવું કેમ કર્યુ હશે. જીગર હવે જાનવીના ગમમાં રહ્યા કરે છે તો બીજી બાજુ જાનવી જીગરનો જીવ બચાવવા માટે જીગરથી દુર રહેવાનો નિર્ણય કરે છે. જાનવી વગરનો જીગર દર્દ સાથે જીવી રહ્યો છે અને કહી રહ્યો છે કે, પ્રેમનો આવો તો કેવો વિચીત્ર નિયમ કે અઢળક પ્રેમ આપવા છતાં પણ સામે દર્દ મળ્યુ.
(સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)
-નીલકંઠ વાસુકિયા (વિરમગામ)