કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
ઉનાળાના ધોમધખતા તાપમાં રસ્તાઓ સૂમસામ લાગી રહ્યા છે અને અગત્યના કામ હોય તેવા વ્યક્તિઓ જ રસ્તા પર ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પશુ-પક્ષીઓ પણ રસ્તા પરથી ગાયબ થઇ ગયા છે અને ઝાડના છાયા જેવી સલામત જગ્યા પર ગોઠવાઈ જઈને ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા સમયે કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી વિધિ નામની યુવતી પોતાના ઘર તરફ જઈ રહી છે. સામાન્ય પરિસ્થિતિની બીજી રીક્ષાના થોડા પૈસા બચાવવા માટે ચાલીને ઘર તરફ જઈ રહી છે ત્યારે ગરમીના કારણે તે પરસેવાથી લોથપોથ થઈ ગઈ છે. વિધિ કોઈ ઝાડ નીચે થોડો સમય ઉભી રહેવાનું વિચારે છે પરંતુ રસ્તા પર કોઈ મોટું ઝાડ ન હોવાને કારણે વિધિને ગરમી સહન કરવી પડે છે અને આવી પરિસ્થિતિમાં વિધિ પોતાના ઘરે પહોંચે છે. વિધિ ડિહાઇડ્રેશનનો શિકાર થાય છે અને તેને દવાખાનામાં દાખલ કરવી પડે છે ત્યારે વિધિ મનોમન નક્કી કરે છે કે હવે આ ગરમીનું કંઈક કરવું પડશે. પરંતુ ગરમીથી બચવા શું કરવું તે હજુ સુધી વિધિ નિશ્ચિત કરી શકી નથી થોડા દિવસો પછી જ્યારે વિધિની કોલેજની પરીક્ષા હોય છે ત્યારે વિધિ કોલેજના એક ઝાડ નીચે બેસી વાંચન કરી રહી છે અને અહીં જ ઝાડ નીચે તેની મુલાકાત કોલેજના હોંશિયાર યુવક સાથે થાય છે. થોડી મુલાકાતો બાદ જયેશ અને વિધિ મિત્ર બની જાય છે અને કોલેજમાં એકબીજાના સાથી બને છે. અભ્યાસ ઉપરાંત વિધિ અને જયેશ ને બીજી એક વિશેષતા છે કે બંને પર્યાવરણ પ્રેમી છે. પર્યાવરણને નુકસાન થાય એવું જો કોઈ કામ કરતું હોય તો વિધિ અને જયેશ તેમને રોકે છે અને સમજાવે પણ છે.
કોલેજની અંદર નવું બાંધકામ શરૂ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે અને બાંધકામમાં નડતરરૂપ ઝાડ કાપવા માટે નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ કોલેજમાં નવું બાંધકામ થવાના કારણે મળનારી વધારાની સુવિધાઓ ના કારણે ખુશ થાય છે પરંતુ કોઈનું ધ્યાન ઝાડ કાપવા નું નક્કી કરવા તરફ જતું નથી. ફક્ત વિધિ અને જયેશ કોલેજના વહીવટકર્તાઓ પાસે જાય છે અને કોઈપણ સંજોગોમાં ઝાડ ન કાપવા માટે જણાવે છે. બંને સાથે મળીને ઝાડ ના ફાયદાઓ પણ જણાવવા લાગે છે ત્યારે સામા પક્ષે લોકો કહે છે કે એક ઝાડ કપાવાથી શું થઇ જવાનું છે? ત્યારે વિધિ અને જયેશ ઓફિસમાંથી બહાર નીકળી જાય છે અને વિદ્યાર્થીઓને એકઠા કરી કોલેજનું ઝાડ બચાવવા માટે આંદોલનની શરૂઆત કરે છે. વિધિ સાથી વિદ્યાર્થીઓ ને કહે છે કે આ એક ઝાડ નો પ્રશ્ન નથી, આવા તો અનેક ઝાડ બિનઅધિકૃત રીતે કપાઈ રહ્યા છે જેના કારણે જ પર્યાવરણ ને બહુ જ ભયંકર નુકસાન થઈ રહ્યું છે. આ ઝાડને આપણે મુદ્દો બનાવીને લોકોમાં જાગૃતિ લાવી અનેક ઝાડ બચાવી શકીશું. વિદ્યાર્થીઓના આંદોલન છતાં પણ કોલેજના વહીવટકર્તાઓ મક્કમતાથી ઝાડ કાપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ જેવું ઝાડ કાપવા માટે કોઈ આગળ વધે છે કે તરત જ વિદ્યાર્થીઓ ઝાડની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને કહે છે કે આ ઝાડ પર કુહાડીનો ઘા પડે તે પહેલાં એ કુહાડીનો ઘા અમારા શરીર પર પડશે. આખરે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવે છે અને કોલેજ કેમ્પસમાં રહેલું ઝાડ સલામત રહે છે. કોલેજ કેમ્પસમાં ઝાડને નુકસાન ન થાય એ રીતે બાંધકામ શરૂ કરવામાં આવે છે અને થોડી ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવે છે. વિધી અને જયેશ સાથે મળીને કોલેજમાં વૃક્ષારોપણનું આયોજન કરે છે જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના સંચાલકો પણ જોડાય છે. વૃક્ષારોપણની શરૂઆત કોલેજ થી કરવામાં આવે છે અને ક્રમશઃ આસપાસના વિસ્તારોમાં પણ કોલેજ દ્વારા વૃક્ષારોપણના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો દરમિયાન વિધિ અને જયેશ એકબીજાની વધુ નજીક આવે છે અને કોલેજના ઝાડની નીચે બેસી નવરાશની પળોમાં પ્રેમનો આનંદ માણી રહ્યા છે. વિધિ અને જયેશ હંમેશા કોલેજના ઝાડ નીચે બેસી ને વાત કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. તેઓ પ્રેમની સાથે-સાથે પર્યાવરણની પણ ચિંતા કરી રહ્યા છે. કોલેજનો સમય પૂર્ણ થવા આવતા બંને લગ્ન કરવાનું નક્કી કરે છે અને પોતાના પ્રેમ વિશે પરિવારને જાણ કરે છે શરૂઆતના તબક્કામાં બન્ને પરિવાર લગ્ન કરવા માટે ના પાડે છે. પરંતુ સમજાવટના કારણે આખરે બંને પરિવાર તૈયાર થાય છે અને વિધિ અને જયેશ ના લગ્ન નક્કી કરવામાં આવે છે. લગ્નમાં પણ પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય અને મહત્તમ લોકો સુધી પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડી શકાય તેવા પ્રયત્નો કરે છે. લગ્નમાં નહીવત ખર્ચ કરવામાં આવે છે અને બચેલા પૈસા થી વૃક્ષારોપણના કાર્યક્રમો નક્કી કરવામાં આવે છે અને લગ્નની વર્ષગાંઠ પર ૧૦૦ વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવે છે. લગ્ન પછી પણ વિધી અને જયેશ વૃક્ષો બચાવવા માટે આંદોલન શરૂ કરે છે અને અન્ય લોકોને પણ સાથે જોડે છે. તેઓ સાથે મળીને વૃક્ષો કાપતા લોકોને રૂબરૂ મળીને સમજાવે છે અને વૃક્ષ બચાવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે અનેક લોકો વૃક્ષનો છાયડો શોધી રહ્યા હોય છે ત્યારે તે લોકોને કહે છે કે આ વૃક્ષ તમને શિતળતા આપે છે અને પર્યાવરણનું રક્ષણ કરે છે. વ્યસ્ત જીવનમાંથી પણ બન્ને સમય કાઢીને કોલેજના ઝાડ નીચે બેસવા માટે જાય છે અને પોતાના જુના પ્રેમાળ સબંધોને યાદ કરે છે. કોલેજમાંથી વિધી અને જયેશ ઉનાળાની બપોરના સમયે પોતાના ઘર તરફ જવા માટે નિકળે છે ત્યારે રસ્તામાં અનેક લોકોને ગરમીના કારણે જાત જાતની ચર્ચા કરતા સાંભળે છે ત્યારે તેઓ તેમની પાસે જાય છે અને કહે છે કે, આ ઉનાળાની આકરી ગરમી માટે આપણે જ જવાબદાર છીએ. આપણે વ્યક્તિગત સ્વાર્થ માટે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ અને પર્યાવરણને નુકશાન પહોચાડી રહ્યા છીએ. જેના કારણે જ અત્યારે પ્રકૃતિ રૂઠી છે અને આપણે ભયંકર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જો પર્યાવરણ સારૂ રહેશે તો જ માનવ જીવન સલામત રહેશે. વિધી કહે છે કે, વૃક્ષોનું નિકંદન કાઢ્યા કરતા પ્રેમથી વૃક્ષારોપણ કર્યું હોત તો આટલી બધી ગરમી ન પડતી હોત. બધા લોકો વિધીની વાત સાથે સહમત થાય છે અને વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનનો સંકલ્પ કરે છે. દરેક યુવક યુવતિઓ પોતાના પ્રેમીના જન્મ દિવસે વૃક્ષ રોપવાનો અને તેની સંપુર્ણ કાળજી રાખવાનું નક્કી કરે છે. જેના કારણે અનેક પ્રેમીઓ એકબીજાની વધુ નજીક આવે છે અને તેમનો પ્રેમ અવિરત રહે છે. વિધી અને જયેશ નવરાશની પળોમાં પ્રકૃતિના સાનિધ્યામાં જંગલમાં ફરવા જાય છે અને જંગલમાં સાથે નિવાસ કરીને છે. પ્રકૃતિ પ્રત્યેનો બન્નેનો પ્રેમ જ તેમની શક્તિ બની જાય છે અને પ્રકૃતિના સાનિધ્યમાં વિધી જયેશ સુખી, સમૃધ્ધ તથા શાંતિપુર્ણ જીવન વ્યતિત કરી રહ્યા છે. બન્ને સાથે મળીને વૃક્ષ મંદિરનું નિર્માણ કરે છે જેમાં અનેક પ્રેમી યુગલો આવીને પ્રેમથી સંવાદ કરી રહ્યા છે અને આવા અનેક યુગલો પણ પ્રેમની સાથે પર્યાવરણના રક્ષણ માટે પ્રેરીત થાય છે. પ્રેમી યુગલોને વિધી જયેશ સાચી સમજણ આપી રહ્યા છે અને લગ્ન પછી પણ પ્રેમનો અવિરત આનંદ માણી રહ્યા છે.