દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 5 ને રવિવારના રોજ ભોઈ સમાજ દ્વારા હોલીકા ઉત્સવ નિમીતે પથ્થર, માટી તથા કુદરતી વસ્તુઓથી કાળભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવાની શરૂઆત કરવામાં આવશે અને તા. 6 ને સોમવારના રોજ હોળીના દિવસે સવારથી દર્શન કરવા માટે ખુલ્લી મુકવામાં આવશે. ઘણા શ્રધ્ધાળુઓ ભૈરવનાથ દાદાની વિવિધ માનતા માને છે. લોકો ઢોલ, શરણાઈ અને પતાસાના હાયડા સાથે સહપરીવાર તથા મિત્ર મંડળ સાથે ભૈરવનાથ દાદાના દર્શન કરવા આવે છે.
આશરે લગભગ 130 વર્ષથી વેરાવળમાં હોળી અનેધૂધળેટીના તહેવાર નિમીતે વેરાવળ ભોઈ સમાજ દ્વારા શ્રી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવામાં આવે છે. જે પરંપરા ઉતરોતર પેઢીઓએ જાળવી રાખી છે. હાલ આધુનીક યુગમાં સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ નિમીતે સમાજ દ્વારા અલગ અલગ કામ માટે યુવાનોની અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવે છે. હોળીના આગલા દિવસથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવાવાળી ટીમ 30 ફુટ ઉંચી પ્રતિમા બનાવવાનો પ્રારંભ કરે છે. પ્રતિમા તૈયાર થયા બાદ પ્રતિમાને સજાવવા વાળી ટીમ દ્વારા પ્રતિમાને રંગબેરંગી ચમકતા કાગળોથી શણગારવામાં આવે છે. હોળીના દિવસે સવારથી ભૈરવનાથ દાદાની પ્રતિમાને દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે.