વારાણસીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ જિલ્લા કોર્ટે આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો વિસ્ફોટના 16 વર્ષ પછી આવ્યો છે. વારાણસીના સંકટ મોચન મંદિર અને કેન્ટ રેલ્વે સ્ટેશન પર 2006માં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા જ્યારે 35 થી વધારે લોકો ઘાયલ થયા હતા.
વારાણસી પોલીસે 5 એપ્રિલ 2006 માં આ કેસમાં ઇલાહાબાદના ફૂલપુર ગામના વલીઉલ્લાહની લખનઉંના ગોસાઇગંજ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. વલીઉલ્લાહનો કેસ લડવાનો વારાણસીના વકીલોએ ઇનકાર કર્યો હતો. તે બાદ ઇલાહાબાદ હાઇકોર્ટે આ કેસ ગાઝિયાબાદ જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો, ત્યારથી કેસની સુનાવણી ગાઝિયાબાદ સ્થિત જિલ્લા કોર્ટમાં ચાલતી હતી.
આ પહેલા 4 જૂને ગાઝિયાબાદ જિલ્લા કોર્ટના જજ જિતેન્દ્ર કુમાર સિન્હાની કોર્ટે વલીઉલ્લાહને દોષી ઠેરવ્યો હતો. આ પહેલા જિલ્લા કોર્ટના જજની કોર્ટમાં 23 મેએ વારાણસી બોમ્બ કાંડની સુનાવણી થઇ હતી. સુનાવણી શરૂ થયા પહેલા આરોપી વલીઉલ્લાહને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદા માટે 4 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી.