સૌજન્ય-વાપી ટાઉન સ્થિત મુખ્ય બજારમાં વર્ષોથી રવિવારી બજાર ભરાતી હતી. રવિવારે બજારને લઇને મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકજામની સમસ્યા અને લોકોની ભીડનો લાભ લઇને તશ્કરો પાકિટ અને મોબાઇલની ચોરી કરતા હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસને થઇ હતી. આખરે રવિવારી બજારને કાયમી માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને લઇને રવિવારે સંપુર્ણ બજાર બંધ રહ્યુ હતું.
વર્ષોથી વાપી ટાઉનના મુખ્ય બજાર માર્ગ પર ભરાતી રવિવારી બજારને લઇને જોકે કેટલાક દુષણો પણ વધ્યા હતા. ખાસ કરીને સાંજના સમયે મહિલા અને યુવતીઓની છેડતી, મોબાઇલ અને પર્સની ચોરી આ ઉપરાંત નાની મોટી મારામારીના બનાવો વધી ગયા હતા. બીજી તરફ રોડના કિનારે ફેરિયાઓ મોટો પથારો લઇને બેસતા હોવાના કારણે વાહનોની અવરજવરને મુશ્કેલી પડતી હતી. જેને લઇને ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવતી હતી. સ્થાનિક રહીશો અને વેપારી દ્વારા રવિવારી બજાર બંધ કરાવવા માટે વાપી ટાઉન પોલીસ અને નગરપાલિકામાં ફરિયાદ કરાતા રવિવારે વાપી પોલીસના પ્રયાસથી રવિવારી બજાર સંપુર્ણ બંધ રહી હતી. અને હવેથી આ રવિવારી બજાર કાયમી માટે બંધ રહેશે.
સુચના ન માનનારા સામે કાર્યવાહી કરાશે
આ રવિવારે બજારમાં ઠેરઠેર પોલીસની ટીમ ગોઠવાઇ હતી. જોકે ગત રવિવારે આપેલી સુચનાના કારણે એક પણ ફેરિયાઓ દેખાયા ન હતા. જો કોઇ સુચનાનો ઉલ્લંઘન કરશે તો તેઓ સામે કાનૂની કાર્યવાહી કરાશે.એ.એન.ગાબાણી, પીઆઇ, વાપી ટાઉન પોલીસ સ્ટેશન