સૌજન્ય-DB/વાપી: વાપીની મુસ્કાન ગૃપ હવે ઘરકામ કરતી મહિલાઓને ભણાવશે. આ ઉપરાંત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ મફતમાં ટ્યુશનની વ્યવસ્થા કરી છે. ખાસ કરીને પૌંઢ મહિલાઓ અને અનાથ બાળકો માટે શિક્ષણ માટે વિશેષ કાર્ય કરતી વાપીનું મુસ્કાન ગ્રુપ હવે હાઇફાઇ સોસાયટી અને બંગલામાં ઘરકામ કરતી મહિલાઓ માટે અક્ષરજ્ઞાન અાપવાનું કાર્ય કરી રહી છે.વાપીના ચલા વિસ્તારમાં ધરકામ કરતી અંદાજે 90 મહિલાઓને દર શનિ અને રવિવારે તેમના માટે ખાસ કલાસ શરૂ કરાયા છે.
આ કલાસમાં ઘરકામ કરતી મહિલાઓને જરૂરી શિક્ષણ આપવામાં આવશે જેથી કરીને તેઓ ભણી ગણી શકે અને જીવનને વધુ સારી રીતે જીવી શકે. આ ઉપરાંત મુસ્કાન ગ્રુપ દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કે જેઓ કોઇક કારણોસર નિરાશ થઇને ફરીથી પરીક્ષા આપી શક્યા નથી એવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ટયુશન કલાસ ચલાવશે. મુસ્કાન ગ્રુપના રીના કાલાણીએ આ અંગે જણાવ્યું કે, ધોરણ 10 માં નાપાસ થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ આત્મ વિશ્વાસ ગુમાવી દેતા હોય છે જેને લઇને તેઓ ફરીથી પરીક્ષા આપી શકતા નથી અને તેમનો શિક્ષણ પ્રવાસ અધવચ્ચે અટકી જતો હોય છે.
આવા ગરીબ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપીને આગળ અભ્યાસ કરી શકે એ આશયથી 1લી ઓકટરોબથી સ્પેશિયલ ટયુશન કલાસ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ ટયુશન કલાસમાં અંગ્રેજી, હિન્દી અને સાયન્સના વિષય ભણાવવામાં આવશે. વાપીના ચલા સ્થિત ફ્રેન્ડસ ગ્રુપ સંચાલિત જ્ઞાનદીપ શાળામાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મફતમાં ટયુશન કરાવાશે.
જીવનમાં સ્કૂલ ન જોનાર મહિલાને ભણતી કરી
માત્ર મહિલા સભ્યોથી સંચાલિત મુસ્કાન ગૃપ છેલ્લા કેટલાક વર્ષથી સ્લમ વિસ્તારની મહિલાઓને અક્ષરજ્ઞાન આપી રહી છે. તેમના હાથ નીચે ભણનારી મહિલાઓએ પ્રૌઢ શિક્ષા અંતર્ગત ધો-10ની બહારથી પરીક્ષા આપીને તેમાં ઉત્તિર્ણ પણ થઇ છે.
ફૂટપાથ પર વેચનારા બાળકોને શાળા બતાવી
વાપીના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર બેસીને રમકડાં તથા અન્ય સામાન વેચનાર બાળકોના પરિવારને સમજાવી આવા બાળકોને સરકારી શાળામાં ભણતા કરાયા છે. મુસ્કાન ગૃપ દ્વારા અત્યાર સુધીમાં 80થી વધુ બાળકોને સરકરી શાળામાં એડમિશન અપાવ્યા છે.