વાપી GIDC માં થર્ડ ફેઝમાં આવેલી એક કલરની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાને કારણે કંપનીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કરી દીધા હતાં. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જ આગને લઈને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વાપી GIDC ના થર્ડ ફેઝમાં અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ કંપનીમાં સોલ્વન્ટ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ વાપી GIDC ની પોલીસ ટીમને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. આગ વિકરાળ હોવાથી ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. કંપની ખાતે 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ખાનગી કંપનીમાં લાગેલી આગના ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. કેમીકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગ લાગતા કંપનીએ તૈયાર કરેલો કલરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો તેમજ આગની ઘટનામાં એક કામદારને સામાન્ય ઇજા પહોંચી છે.