ઉમરગામના નારગોલ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ રૂ.20 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાય ગયો હતો. લાંચીયા પોલીસ હેડ કોન્સ્ટેબલે મોપેડમાંથી દારૂની બે બોટલ પકડી પાડ્યા બાદ દારૂનો ગુનો નહી નોંધવા, મોપેડ અને મોબાઇલ જમા નહી કરવા રૂ.70 હજાર નક્કી કરી રૂ.50 હજાર પડાવી લીધા હતા.
વાપીના ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ મયુરી પટેલ અને પતિ મુકેશ પટેલ સામે ફલેટની આકરણી કરવાની કામગીરી માટે રૂ.1 લાખની લાંચ લેવાના મામલે ગુનો નોંધાયા બાદ વધુ એક લાંચનો કેસ નોંધાયો છે. જે અંગે એસીબી સૂત્રો પાસેથી મળતિ માહિતિ મુજબ ઉમરગામના નારગોલ મરીન પોલીસે થોડા દિવસ અગાઉ પાલી ગામે મોપેડને અટકાવી બે બિયરની બોટલો પકડી પાડી ચાલકને પોલીસ મથકે લઇ જવાયો હતો. બાદમાં હે.કો. નૈનેશ મણીયાભાઇ હળપતિએ મોપેડ ચાલકને માર નહી મારવા, ગુનો નહી નોંધવા અને મોબાઇલ તથા મોપેડ જમા નહી કરવા રૂ.1 લાખની માંગણી કરી હતી. વાતચીત દરમિયાન રૂ.70 હજાર નક્કી કરાયા બાદ રૂ.50 હજાર લીધા હતા. જો કે નૈનેશ હળપતિએ નાણાં લીધા બાદ પણ ગુનો નોંધી બાકીના રૂ.20 આપવા દબાણ કર્યુ હતું.
મોપેડ ચાલકે કંટાળીને વલસાડ લાંચ રૂશ્ર્વત વિરોધી શાખમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે એસીબી પી.આઇ. કે.આર.સક્સેના અને ટીમે ગોઠવેલા છટકામાં ભિલાડના ફણસા ગામે રોડ નજીક હે.કો. નૈનેશ હળપતિ રૂ.20 હજારની લાંચ લેતા પકડી પાડ્યો હતો. એસીબીએ આરોપી નૈનેશ હળપતિની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. માત્ર ત્રણ દિવસમાં વલસાડ જિલ્લા લાંચના બે ગુના નોંધાયા છે.