ઉમરગામના સંજાણ ખાતે રૂ.50 કરોડના ખર્ચે રેલવે ફ્લાય ઓવર બનાવ્યો હતો. જો કે ગણતરીના સમયમાં જ પુલ પરના એપ્રોચ રોડ બેસી જવાની સાથે નીચેના ભાગેથી પોપડા પડતા આ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો હોવાની આંશકા વ્યકત થઇ રહી છે. ગામ લોકોએ આ મામલે રેલવેના અધિકારીને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી.
ઉમરગામના સંજાણ ગામે લોકોને વધુ સુવિધા મળી રહે તે ઉદ્દેશયથી રૂ.50 કરોડના ખર્ચે રેલવે ફ્લાયઓવર બનાવવાની મંજૂરી અપાઇ હતી. બાદમાં ડીએફસીસી દ્ધારા અંકલેશ્વરની મંગલમ બિલ્ડ કોલ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એજન્સી દ્ધારા પુલ બનાવવાની કામગીરી પૂર્ણ કરાયા બાદ લોકાપર્ણ વિના જ લગભગ સવા કિલોમીટર લાંબો બ્રીજ વાહન ચાલકો માટે પુલ ખુલ્લો મુકાયો હતો. પુલ નિમાર્ણ થયાના ગણતરીના સમયમાં જ પુલ નીચે પોપડા પડવાની સાથે પુલ પરનો એપ્રોચ રોડ પર બેસી ગયો હતો. ગામના આગેવાનો સહિત લોકોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. પુલની કામગીરી ખૂબ જ હલકી કક્ષાની કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ રેલવેના અધિકારી સમક્ષ કર્યો હતો. છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલ્યું ન હતું. આ કામગીરીમાં હલકી કક્ષાના રોમટિરીયલનો ઉપયોગ કરી ભષ્ટાચાર કરાયોની પણ લોકોએ શંકા વ્યકત કરી હતી. પુલ પર અમુક જગ્યા પર રોડ બેસી જતા સ્થાનિક લોકોએ વાહન ચાલકોની સલામતી માટે પથ્થરો ગોઠવી દીધા હતા.
બુધવારે સાંજે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર તથા આગેવાનોએ પુલ પર પહોંચી નિરીક્ષણ કર્યુ હતું. ગણતરીના સમયમાં જ પુલના પોપડા અને ડામર રોડ બેસી જતા તંત્ર દ્ધારા આ મામલે તટસ્થ તપાસ કરી કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.