પ્રાપ્ત માહિતિ અનુસાર પારડી પારનદીના પુલ પરથી આજે મંગળવારે ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નેહા કમલેશભાઇ પટેલ (ઉ.વ.17, રહે. મોટા વાઘછીપા) છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે હાઇવે પરથી જતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા. બાદમાં લોકો નદી કિનારે દોડી ગયા હતા. પારડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જયારે ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના સભ્યો પણ દોડી ગયા બાદ નેહાની પાણીમાંથી મૃત હાલતમાં લાશ બહાર કાઢી હતી.
ધોરણ 12 ની પરીક્ષામાં નેહા ફરીવાર નાપાસ થતાં આઘાતમાં આવી જઈ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આ પ્રકારના વધી રહેલા બનાવને રોકવા પોલીસ વિભાગ દ્વારા પુલ નજીક કર્મચારી તૈનાત કરાય તેવી પણ માંગ ઉઠી છે.
મોટા વાઘછીપા ગામે રહેતી અને ધોરણ 12 મા ભણતી વિદ્યાર્થિનીએ પરીક્ષામાં નાપાસ થતાં જીંદગીની પરીક્ષા પણ નાપાસ કરી દીધી હતી. વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભરવા પહેલા શાકભાજીનો ધંધો કરતા પિતા કમલેશ પટેલને મોબાઈલ પર ફોન કરી હું પારડી પાર નદીના પુલ પાસે છું હું ફરી વખત નાપાસ થઈ એમ કહ્યું હતું. પુત્રીના ફોન પર વાતચીત કરતા જ માતા અને પિતા તુરંત જ પારડીના પાર નદીના પુલ પર દોડી ગયા બાદ તેઓને પુત્રીના આપઘાતની જાણ થતાં હતપ્રત બની ગયા હતા.