વાપી નગરપાલિકા દ્વારા સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર 21 ફૂટ બાય 14 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે તેનું વિધિવત ઉદ્ઘાટન થયું હતું. 21 ફૂટ લાંબા અને 14 ફૂટ પહોળાઈ ધરાવતા આ ધ્વજને ઝજબા તિરંગે કા થીમ સાથે વાપીના આકાશમાં લહેરાતો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નાણાપ્રધાને આગમન સાથે વાપીના ઝંડા ચોકથી શણગારેલ ખુલ્લી જીપમાં સરદાર ચોક સુધી ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં વાપીના નગરજનો હાથમાં તિરંગા લઈ રેલી સ્વરૂપે જોડાયા હતાં. દેશભક્તિના નારા સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના સભ્યો, પોલીસ બેન્ડ, વ્હોરા બેન્ડ, સ્કાઉટ ટીમ, NCC ટીમ, શાળાના બાળકો, નગરજનો, સમાજના આગેવાનો જોડાયા હતાં. જેઓએ દેશની વિવિધ પરંપરાગત ઝાંખીના દર્શન કરાવ્યા હતાં. વાપી મુખ્ય બજાર હજારો તિરંગાથી તિરંગામય બની હતી.
સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ઝજબા તિરંગે કા થીમ પર તૈયાર કરેલ 100 ફૂટ ઊંચા ધ્વજ પોલ પર બાંધેલ ધ્વજને ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, 1947 માં ભારતને આઝાદી મળી ત્યારે જે પેઢી હતી તે બદલાઈ ગઈ છે. 1947 માં આઝાદીનો જે માહોલ હતો તેઓ જ માહોલ આઝાદીના 75 વર્ષની આ ઉજવણી પ્રસંગે વાપીમાં જોવા મળ્યો છે. દરેક નાગરિકે આ ઉત્સવને મહાઉત્સવ બનાવ્યો છે. વાપીમાં વલસાડ જિલ્લાનો સૌથી ઊંચો 100 ફૂટનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. જે આઝાદીના મહોત્સવ નિમિત્તેની વડાપ્રધાનને ભેટ સમાન છે. દેશ આજે તેમના પ્રયાસોથી એક તાંતણે બંધાયો છે.
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તિરંગો એ ભારતની શાન છે. યુક્રેન રશિયા વચ્ચે જે યુદ્ધ થયેલું હતું તે યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ આજ તિરંગાનો ઉપયોગ કરીને હેમખેમ સ્વદેશ પરત ફર્યા હતા. તે જ બતાવે છે કે તિરંગાની આન બાન અને શાન વિશ્વના દરેક દેશમાં કેટલી અમૂલ્ય છે. આજના આ હર ઘર તિરંગા અભિયાનના શુભારંભ અને 100 ફૂટ ઊંચા તિરંગાના લોકાર્પણ પ્રસંગે અન્ય ગ્રુપ દ્વારા કાર્નિવલ જેવો માહોલ ઉભો કરી દેશપ્રેમ પ્રગટ કરતા દેશ ભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક ઉપસ્થિત નગરજનો સમક્ષ રજુ કરી હતી. જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા. ફાયરના જવાનો દ્વારા આઝાદીના 75 માં વર્ષ નિમિતે 75 ફૂટ લાંબા ધ્વજ સાથે વિશાલ રેલી યોજી હતી. જે તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજના કાર્યક્રમને યાદગાર બનાવવા લોકોએ ફોટો સેશન કરી દેશભક્તિની મિશાલ પ્રગટ કરી હતી.