સૌજન્ય/વાપી, અમદાવાદ: સ્વચ્છ ભારત અંતર્ગત લોકો શૌચક્રિયા માટે ખુલ્લી જગ્યાના બદલે શૌચાલયનો ઉપયોગ કરતા થાય એવા અનેક પ્રયાસો છતાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં પરિસ્થિતિમાં ખાસ સુધારો નથી થયો. ત્યારે વલસાડના પારડીની નગરપાલિકાની કારોબારી સમિતિએ નવતર પ્રયોગરૂપે સ્લમ વિસ્તારના રહીશોને મોબાઇલ ટોયલેટનો ઉપયોગ કરવા બદલ વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારે યોજાનારી પાલિકાની સામાન્ય સભામાં આ નિર્ણયને બહાલી માટે રજૂ કરવામાં આવશે.
પારડી શહેરના સ્લમ વિસ્તારમાં હજુ પણ લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે. સ્વચ્છતા મિશન અંગે અનેક કાર્યક્રમો યોજાવા છતાં આ સ્થિતિમાં બદલાવ આવ્યો નથી. ત્યારે તાજેતરમાં યોજાયેલી પાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં સ્વચ્છતા અભિયાન અંતગર્ત મોબાઇલ ટોયલેટની સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો. તદુપરાંત, લોકો વધારે પ્રમાણમાં મોબાઇલ ટોયલેટનો ઉપયોગ કરતા થાય, તે માટે પ્રોત્સાહન તરીકે વ્યક્તિદીઠ પાંચ રૂપિયા આપવાનો નિર્ણય પણ લેવાયો છે. આ માટે નિયત કરેલાં સ્થળોએ આ મોબાઇલ ટોઇલેટને મૂકવામાં આવશે. કારોબારીમાં લેવાયેલા આ નિર્ણય પર હવે 29 ઓક્ટોબરે મળનારી સામાન્ય સભામાં આ પ્રસ્તાવ બહાલી માટે મૂકવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, પારડી પાલિકામાં કુલ 28 બેઠકો છે. જેમાં ભાજપ-કૉંગ્રેસ બંને પાસે એકસરખી બેઠકો છે.ત્રણ વર્ષ પહેલાં અમદાવાદ મહાપાલિકાએ પણ આવો પ્રયોગ કર્યો હતો. ત્રણ વર્ષ પહેલાં વર્ષ 2015માં અમદાવાદ મહાપાલિકા દ્વારા પણ આ પ્રકારે જાહેર શૌચાલયનો ઉપયોગ કરનારા લોકોને વળતર પેટે એક રૂપિયો આપવાનો નિર્ણય કરાયો હતો. આ માટે મહાપાલિકા દ્વારા ખુલ્લામાં શૌચક્રિયા કરતા કુલ 1200 લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત, ખુલ્લામાં શૌચક્રિયા થતી હોય તેવા કુલ 120 વિસ્તારો પણ શોધી કાઢવામાં આવ્યા હતા.
આ પ્રોજેક્ટ માટે ખાસ નિયમો બનાવવા જરૂરી
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે શૌચક્રિયા માટે લોકોએ પૈસા ચૂકવવા પડતા હોય છે, પરંતુ પાલિકા વળતર આપે તે સારી બાબત છે. સ્વચ્છતા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ સારો છે, પરંતુ શૌચક્રિયા માટે લાભાર્થીઓને 5 રૂપિયા આપવા અંગેના નિયમો બનાવવા પડશે. લાભાર્થીઓ વાર-વાર શૌચાલયનો ઉપયોગ કરે તો શું કરવું તથા મોબાઇન વાન કયાં કયાં લોકેશન પર મૂકવી અથવા લાભાર્થીઓ વચ્ચે ઝઘડો થાય, ત્યારે પ્રશ્ન કેમ ઉકેલવો? સહિતની સ્પષ્ટ થવી જરૂરી છે.