સૌજન્ય/વાપી: જિલ્લાની એક સહકારી બેન્કના પટાવાળાની હરકતોનો મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. થોડા દિવસ પહેલાં કાર લોનની રિવકરી માટે બેન્કની એક ટીમ સભાસદના ઘરે ગઇ હતી. જો કે, આ સભાસદ ભાઈ ગેરહાજર હોવાથી ટીમના સભ્ય એવા પટાવાળાએ સભાસદની પત્નીનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તેની મતી મારી જતાં તેણીને જાતજાતના મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું હતું.
બાદમાં એક ડગલું વધી વીડિયો કોલિંગ તેમજ બિભત્સ વીડિયો મોકલી દેતાં આખરે આ મહિલાએ પોલીસને જાણ કરી હતી, પરંતુ રાજકીય આગેવાનોએ દરમિયાનગીરી કરતાં આખો મામલો થાળે પડ્યો હતો.
એક ગ્રામ્ય સભાસદે જિલ્લાની અગ્રણી સહકારી બેન્કમાંથી કાર લોન લીધી હતી. લોનની રકમ બાકી રહેતાં રિકવરી માટે બેન્કની એક ટીમ સભાસદની ઘરે પહોંચી હતી. આવા સમયે સભાસદ ગેરહાજર હોવાથી રિકવરી અંગે કોઇ કામગીરી થઇ શકી ન હતી, પરંતુ બેન્કમાંથી રિકવરી માટે ગયેલી ટીમમાંથી એક પટાવાળાએ સભાસદની પત્નીનો નંબર મેળવ્યો હતો.
કાર લોનની બાકી રકમ માટે મોબાઇલ નંબર મેળવ્યાં બાદ તે રાતથી જ પટ્ટાવાળાએ સભાસદની પત્નીને મેસેજો કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં વીડિયો કોલ અને ત્યારબાદ બ્લયૂ ફિલ્મનો વીડિયો સેન્ડ કરતાં મહિલા ચોંકી ઊઠી હતી અને તરત જ તેના પતિને જાણ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લઇ તમામ રજૂઆતો સાંભળી હતી. આ બબાલમાં રાજકીય આગેવાનો પડતાં આખરે સમાધાન થયું હતું અને પટાવાળા સામે કોઇ કાર્યવાહી થઇ ન હતી. સદનસીબે આ મામલામાં વાત સોશિયલ મીડિયા સુધી પ્રસરી ન હોવાના કારણે આરોપી તથા ફરિયાદ પક્ષની ઇજ્જત બચી જવા પામી છે. સાથે જ પોલીસે પણ તકેદારીના ભાગરૂપે આ કેસમાં બંને પક્ષોની સંમતિથી સમાધાનકારી વલણને ગ્રાહ્ય રાખ્યું હતું. જોકે, મોટાભાગે આવા કિસ્સામાં આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવતા હોય છે.
પટાવાળાની 1 પુત્રી MA, બીજી ધો-11માં
આ સહકારી બેન્કના પટ્ટાવાળાને બે પુત્રી છે. એક એમ.એ. થઈ છે તથા એક ધો-11માં અભ્યાસ કરે છે. બે પુત્રીનો પિતા હોવા છતાં એક મહિલાને આવા ખરાબ મેસેજ કરતાં બેન્કમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.