સૌજન્ય/જિલ્લામાં ખાસ કરીને વાપીની કેટલીક બેન્કોમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરી કાગળની ગડ્ડી પકડાવી લાખો રૂપિયા ચાઉ કરી જતી મુથ્થુ ગેંગના 4 આરોપીને વલસાડ એલસીબે દબોચી લીધા હતા. વધુ તપાસ વાપી ટાઉનને સોંપી છે.
વાપી વિસ્તારમાં એલસીબી ટીમના પીએસઆઈ જે. એન.ગોસ્વામી અને તેમની ટીમ એસપી જોશી તેમજ એલસીબી પીઆઈ કે.એન.કામળિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ બુધવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમાની આધારે જીઆઈડીસી હાઈવે પર પંજાબ નેશનલ બેન્ક સામેથી આવતા 4 શંકાસ્પદ ઈસમોને પકડી તેમની અંગઝડતી લેતાં એક રૂમાલમાં વીંટરાયેલી કાગળની થપ્પી, 3 મોબાઈલ તથા રોકડા રૂ.7800 મળી કુલ રૂ. 13,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ચારેયની પૂછપરછમાં જણાયું કે સાત-આઠ દિવસ પહેલાં વીઆઈએ ચારરસ્તાની બાજુ માં આવેલી બેન્ક ઓફ બરોડામાં આ ચાર ઈસમ આવ્યા હતા. એક ગ્રાહક જે પોતાના ગામ પૈસા મોકલાવતો હતો, તેને વિશ્વાસમાં લઈ રૂ.બે લાખ ચોરીના છે, જે કાગળની ગડ્ડી રૂમાલ વીંટાળેલી બતાવી અમારે પૈસા ગામ મોકલવા છે, તેમ કહી અમારી પાસે ખાતુ નથી, તમે રાખી લો અને તમારી પાસે જે પૈસા છે તે અમને આપી દો, તેવું જણાવી રૂ.52,000 લઈ કાગળની ગડ્ડી પકડાવી દીધી હતી. અગાઉ પણ આ ગેંગે ચણોદ સેલવાસરોડ પર બેન્ક ઓપ બરોડામાં એક ગ્રાહકને વિશ્વાસમાં લઈ કાગળની ગડ્ડી પકડાવી રૂ.22,000 સેરવી લીધા હતા.
આ ગેંગ અમદાવાદથી દહાણું મહારાષ્ટ્ર સુધીના વિસ્તારમાં અલગ અલગ બેન્કોમાં જઈ ગ્રાહકોને છેતરી કાગળની ગડ્ડી પકડાવી પૈસા પડાવી પલાયન થઈ જતા હતા. જે મુથ્થુ ગેંગના ચાર ઈસમ એલસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.
આ ચાર મુથ્થુ ગેંગના ઝડપાયા
1. ગણેશ ઉર્ફે લાલા મહાદેવ ગાવડે, રહે.વલસાડ સ્ટેશન અને બોઈસર સ્ટેશન, મૂળ રહે.મદ્દાસ
2. ક્રિષ્ણકાંત ઉર્ફે પાડા વિનય તિવારી, રહે. હનુમાન ફળિયા, મોગરાવાડી-વલસાડ,મૂળ રહે.પ્રતાપગઢ યુપી.
3. આકાશ સુભાષ વિરેન્દ્ર યાદવ, રહે.રાંદેર-સુરત, મૂળ રહે.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ.
4. અરવિંદ રામક્રિપાલ નિશાદ, રહે.પાંડેસરા-સુરત, મૂળ રહે. ગોરખપુર, ઉત્તરપ્રદેશ.