સુરતઃ વાપી હાઉસિંગમાં થોડા દિવસ અગાઉ બિલ્ડીંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત અને 3 ને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે 32 પરિવારો થોડા દિવસોથી ઘરની બહાર તંબુ તાણીને રહે છે. અનેક રજૂઆતો બાદ કોઇ પ્રશ્ન ન ઉકેલાતા આખરે બુધવારે અસરગ્રસ્તોએ રાષ્ટ્રપતિ સમક્ષ ઇચ્છા મૃત્યુની મંજૂરી માગતો લેટર વાપી મામલતદારમાં આપ્યો હતો. જેના કારણે હવે આ મામલો સંવેદનશીલ બન્યો છે. જોકે તંત્ર દ્વારા માત્ર હૈયાધરપત જ આપવામાં આવી રહી છે.
બિલ્ડીંગમાં રહેતા 32 પરિવાર રાતોરાત રસ્તા પર આવી ગયા
વાપી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રફુલચંદ્ર હરીલાલ પાંચાલ દ્વારા બુધવારે રાષ્ટ્રપતિ રામકોવિંદને એક પત્ર લખ્યો હતો. આ પત્રને વાપી મામલતદાર કચેરીમાં આપવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અમે 32 પરિવારના રહીશો છેલ્લા 42 વર્ષથી વાપી ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા મકાનોમાં વસવાટ કરીએ છીએ. હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર થયેલા મકાનોની આવરદા પૂર્ણ થઇ ગઇ છે. જેથી હાલના મકાનોમાં રહી શકાય તેવી સ્થિતિ નથી. વાપી ગુંજન વિસ્તારમાં આખી બિલ્ડીંગ કકડભૂસ થઇ જતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત થોડા દિવસો પહેલા બિલ્ડીંગમાં છત તૂટી પડવાથી ત્રણ ઇસમોને ઇજા થઇ હતી. જેમાં એક આધેડનું મોત થયું હતું. જીઆઇડીસી દ્વારા બિલ્ડીંગને ખાલી કરાવી વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે. આ બિલ્ડીંગમાં રહેતા 32 પરિવાર રાતોરાત રસ્તા પર આવી ગયા છે. આ અંગે સ્થાનિક સ્તરે રજૂઆતો કરવા છતા કોઇ હકારાત્મક પરિણામ મળી શક્યું નથી. હાઉસિંગ બોર્ડની લાલિયાવાડીના કારણે 32 પરિવારે રસ્તા પર આવવુ પડયું છે.
ભયજનક બિલ્ડીંગ હોવાનું રટણ
32 પરિવાર દ્વારા મામલતદારથી લઇ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુધી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ સ્થળ નિરીક્ષણ માટે આવ્યું નથી.વલસાડ જિલ્લાના જવાબદાર અધિકારીઓ માત્ર ભયજનક બિલ્ડીંગ હોવાનું કારણ આગળ ધરી આ રજૂઆતને સાંભળવામાં આવતી નથી. જેથી 32 પરિવારો રસ્તા પર આવી ગયા છે. મધ્યમ વર્ગના પરિવારો અન્ય સ્થળે મકાનો ભાડે લઇ શકે તેવી સ્થિતિમાં પણ નથી. રિડેવલપમેન્ટની યોજનામાં વિલંબ થાય એમ છે. ભયજનક બિલ્ડીંગમાં મંજૂરી આપો તો મોત ગમે ત્યારે આવવાનું જ છે.
હાઉસિંગના મુદ્દે રાજકારણ સક્રિય
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી હાઉસિંગની ઘટનાને આટલા દિવસો બાદ અસરગ્રસ્તનોને કોઇ મદદ મળી નથી. પરંતુ કેટલાક રાજકીય આગેવાનો આ મુદ્દાને આગળ ધરીને રાજકારણ રમી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેને લઇ આ પ્રશ્ન ઉકેલાવાની જગ્યાએ વધુ ગૂંચવાઇ રહ્યો છે. જનપ્રતિનિધિઓ આ મામલે અસરગ્રસ્તોની માગ ઉકેલે તે જરૂરી છે…સૌજન્ય