મંત્રીશ્રી પટેલ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેશે
(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદથી જિલ્લા-શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાનો તાગ મેળવવા મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે આજે વલસાડ જિલ્લાની મુલાકાત લઇ પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.આ પ્રસંગે મંત્રીશ્રી પટેલે રાજ્યકક્ષાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ ૩૩૮ મી.મી. થયો છે. આમ ૪૦ ટકા જેટલો વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં મહત્તમ વરસાદની તીવ્રતા જોવા મળી છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ૨૦ જેટલી એન.ડી.આર.એફ.ની ટીમો કાર્યરત છે. આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૬૦૦ જેટલા લોકોનું રેસકયુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં આશરે ૩પ૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે.આ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રી પટેલે વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, ધરમપુર, કપરાડા, પારડી તથા વલસાડ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં થયેલ નુકશાનની વિગતો મેળવી હતી.
ઉમરગામમાં એક તળાવ તૂટી ગયું હોવાનું તેમજ ચિંતાજનક ન હોવાનું ઉમરગામના રહેવાસીએ જણાવ્યું હતું. જ્યારે કપરાડામાં કેટલાક કોઝ-વે તેમજ ચેકડેમની સાઇડ તૂટી ગયાનું તેમજ ધરમપુર તાલુકામાં કોઝ-વેની સાઇડ તૂટી જવા સાથે રસ્તો ધોવાઇ ગયો હોવાનું કપરાડાના અગ્રણીએ જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના દરિયો ખેડતા સાગરખેડૂઓ ગુમ થયાની વિગતો જાણતાં મંત્રીશ્રીએ આવા ગુમ થયેલા સાગરખેડૂઓની એફ.આઇ.આર. કરી સંલગ્ન કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ૭૩-એએ જમીન કાયદા અંગે રજૂઆત થતાં મંત્રીશ્રીએ જમીનના કાયદાનો મૂળ હાર્દ જાળવીને યોગ્ય સજેશન કરવા સૂચન કર્યું હતું બુલેટ ટ્રેન તથા એક્ષપ્રેસ-વે માટે જમીન સંપાદન થઇ રહી છે. અસરકર્તા ખેડૂતો તેમની જમીનની તથા બાગાયતી વૃક્ષોની બજાર કિંમતની માંગ કરી રહ્યા છે, તેવી રજૂઆત થતાં મંત્રીશ્રી પટેલે હૈયાધારણ આપતાં સરકાર કોઇને અન્યાય નહીં કરે તેમ જણાવ્યું હતું. સમીક્ષા બેઠકના પ્રારંભમાં કલેક્ટરશ્રી સી.આર.ખરસાણે મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલને આવકારતાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૭૦ ટકા વરસાદ થઇ ગયો છે. જૂન માસમાં ઉમરગામમાં ૧૬ ઇંચ વરસાદ થયો હતો. સેગવીના બિપીન પટેલનું ભારે વરસાદથી ગટરમાં પડી જતાં મરણ થવાથી તેમના વારસદારોને ચાર લાખ મૃત્યુ સહાય ચૂકવાઇ છે. જ્યારે ખાનપુર, તા.વાંસદાના જશુબેન માહલા નદીમાં ડૂબી જવાથી તણાઇને ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામેથી મૃતદેહ મળતાં તેમના વારસદારોને સહાય ચૂકવવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. જ્યારે એક પશુનું પણ મૃત્યુ થયું છે. ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ કુટુંબોને ૪૭ હજાર રૂપિયાની ઘરવખરી આપવામા આવી છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૫૬ ઘરોમાં પાણી ભરાઇ જતાં ૨૫૫ લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઉમરગામ તાલુકાના અસરગ્રસ્તોને રૂા. એકલાખ તેમજ ઘરવખરી માટે રૂા.૧.૭૦ લાખની કેશડોલ ચૂકવવામાં આવી છે.કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં ઝૂંપડાં તથા કાચા-પાકા મકાનોને થયેલા નુકશાન અંતર્ગત વલસાડમાં સાત, ઉમરગામમાં ૯, ધરમપુરમાં ૪, કપરાડામાં એક મળી કુલ ૨૫ પાકાં મકાનોને નુકશાન થયું છે. કપરાડા તાલુકામાં ૩ કાચા મકાન માટે ૧૧ હજાર તથા એક પાકા મકાનને થયેલ નુકશાન માટે રૂા.ચાર હજારની સહાય ચૂકવાઇ છે. પંચાયત હસ્તકના ૧૩ રસ્તાઓને નુકશાન થયું છે. તથા સસ્તા અનાજની દુકાનોને કોઇ નુકશાન થયું નથી. જિલ્લામાં કોઇ રોગચાળો ફેલાઇ નહીં તે માટે ૫૯ પી.એચ.સી. સી.એચ.સી. કાર્યરત છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માલી, પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, વિવેકભાઇ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.