(કાર્તિક બાવીશી )ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને કામના સ્થળે જ મેડીકલ સારવાર મળી રહે તે હેતુસર ધન્વંતરી આરોગ્ય રથ ગત વર્ષે જુલાઇ માસમાં શરૂ કરાયો હતો. જેનું એક વર્ષ પૂર્ણ થતાં પ્રાજેકટ મેનેજર ટી.વી.ઠાકોર, એપીડેમીક મેડીકલ ઓફિસર ડો.મનોજ પટેલ, આરોગ્ય સંજીવની કોર્ડિનેટર ડો.રાકેશ પાંડે, બાંધકામ ઇન્સ્પેકટર એચ.પી.રાઉત, ધન્વંતરી આરોગ્ય રથના ડોકટર દિપાલી પટેલ, ફાર્માસીસ્ટ, લેબ ટેકનીશીયન, પેરામેડીકલ સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ રથ દ્વારા એક વર્ષ દરમિયાન વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા મળી કુલ ૨૩ હજાર જેટલા પેશન્ટોને તથા કન્સ્ટ્રકશન ક્ષેત્રે કામ કરતા પ૧૦ જેટલા બાંધકામ શ્રમયોગીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ અવસરે ડો.મનોજ પટેલે ધન્વંતરી આરોગ્ય રથની સફળતાના એકવર્ષમાં સહભાગી સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને બાંધકામ શ્રમિક ધન્વંતરી આરોગ્ય રથ સાથે મળીને જિલ્લામાં ચાલતી મોટી સાઇટ અને બાંધકામ સાહતો ઉપર કામગીરી હાથ ધરી ડેન્ગ્યુ-મેલેરીયા રોકવાની કામગીરી હાથ ધરવામાં આવશે.