(કાર્તિક બાવીશી)વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન લેપ્ટોસ્પાયરોસીસ અને ડેન્ગ્યુ રોગચાળો ફેલાતો હોઇ તેની જાણકારી જન-જન સુધી પહોંચે તે હેતુસર વલસાડ જિલ્લા પંચાયત દ્વારા જનજાગૃતિ રથ જિલ્લા પંચાયત ખાતેથી રવાના કરાયો હતો. આ રથને જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મનોજ પટેલ, એપેડેમીક મેડીકલ ઓફિસર અને જિલ્લા આરોગ્ય શાખાના કર્મીઓ હાજર રહ્યા હતા.
લેપ્ટોસ્પાયરોસીસ એ સૂક્ષ્મ જીવાણુથી થતો, પ્રાણીઓ દ્વારા માણસોની લાગુ પડતો ચેપી અને જીવલેણ રોગ છે. આ જીવાણુઓ માણસના શરીરમાં રહેલા વાઢીયા, ચીરા, હાથ પગમાં રહેલા ઘા કે આંખો દ્વારા દાખલ થાય છે. આ રોગ મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા ખેત મજૂરો, ખેતમાલિકો, પશુપાલકોમાં ઉપરાંત શહેરમાં ઝુંપડપટ્ટીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
રોગના લક્ષણો જોઇએ તો, તાવ આવવાની સાથે સ્નાયુમાં દુઃખાવો (પગ, કમર અને પેટ), માથાના આગળના ભાગમાં દુઃખાવો તેમજ બન્ને આંખોમાં લાલશ દેખાય તો તે હળવા પ્રકારના લક્ષણો ગણી શકાય. તેમજ લીવર-કમળો થવો, કિડની -પેશાબ ઓછો થવો કે બંધ થઇ જવો, હૃદય-હાથપગ ઠંડા પડી જવા, બી.પી. ઘટી જવું, ફેફસાં- ખૂબ ખાંસી, હાંફ કે ખાંસી સાથે લોહી નીકળે તેમજ હોજરી-લોહીની ઉલટી થવી વગેરે ગંભીર લક્ષણો છે.
આ રોગના અટકાયત માટે કેટલીક બાબતો ધ્યાને રાખવી જોઇએ. ખુલ્લા પગે અથવા પગમાં કે, હાથમાં ઇજા થઇ હોય તો કાદવ-કીચડ વાળી જગ્યો, કોઢારામાં સાફ સફાઇ કરવા અથવા રોપણી નીંદણ કરવા જવું નહીં. ખેતરમાં કે કાદવ-કીચડવાળી જગ્યાએ ગયા પછી, કોઠારામાં સાફ-સફાઇ કર્યા પછી સાબુ વડે ગરમ અથવા ચોખ્ખાપાણીથી હાથ પગ ધોવા જોઇએ. પગમાં વાઢીયા, ચીરા કે ચાંદા હોય તો ખેતરમાં જવાનું ટાળવું અને આશા/ આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવતા પોવીડીન-આયોડીનથી સારવાર કરવી. જરૂર પડયે દિવેલ અને હળદરનું મિશ્રણ પણ લગાવી શકાય. દર અઠવાડિયે આઠ અઠવાડિયા સુધી આશા/ આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવતી કેપ્સ્યુલ ડોકસીસાયકલીન અવશ્ય લેવી જોઇએ.