(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન લેપ્ટોસ્પાયરોસીસ રોગ જોવા મળતો હોઇ, તેના નિયંત્રણ માટે કરવાની થતી કામગીરીના આયોજન માટે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કૉલેજ ખાતે મેડીકલ સુપરીટેન્ડન્ટ ડૉ.આર.એમ.જીતીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
બેઠકમાં મેડીકલ સુપરીટેન્ડટ ડૉ.આર.એમ.જીતીયાએ જણાવ્યું હતું કે, ચોમાસની સીઝન દરમિયાન ઓ.પી.ડી.માં આવતા દર્દીઓને જો તાવ જણાય તો તે તમામ દર્દીઓને ડોકસી સાયકલીન ૭ દિવસ સુધી ફરજિયાત પણે લેવા માટે આપવાની રહેશે. લેપ્ટોસ્પાઇરોસીસ રોગ નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય શાખા ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. જેનો નંબર ૦૨૬૩૨-૨૫૩૩૮૧ છે. આ ઉપરાંત બેનર, કેલેન્ડર, પત્રિકા વહેંચણી, ટીવી સ્ક્રોલિંગ, લેપ્ટો સહિત ગ્રામ્ય કક્ષાએ શિબિરો કરી જનજાગૃતિની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જિલ્લાના દરેક પેરા મેડીકલ સ્ટાફ, આશા બહેનો, ડૉકટરોને લેપ્ટોસ્પાઇરોસીસ અંગેની તાલીમ આપી તાલીમબધ્ધ કરાયા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ઉંદર નિયંત્રણની કામગીરી કરાઇ રહી છે. પશુપાલન વિભાગ દ્વારા ૩૭૫ પશુઓના સેમ્પલો લઇ લેબોરેટરી ચકાસણી માટે મોકલી અપાયા છે. લેપ્ટોસ્પારોસીસના દર્દીઓ માટે મેડીકલ કૉલેજ ખાતે આઇસોલેશન આઇ.સી.યુ.માં પ બેડ વેન્ટીલેટર સાથે તેમજ પ મહિલાઓ માટેના બેડનો વોર્ડ પણ તૈયાર કરાયો છે. લેપ્ટોના દર્દી માટે એલ-૩ સેન્ટરની તમામ સુવિધા સાથે વિનામૂલ્યે દવા, લેબોરેટરી તપાસથી લઇ તમામ પ્રકારની સારવાર મેડીકલ કૉલેજ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના ડૉ.મનોજ પટેલ, જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર, આર.એમ.ઓ., પીડીયાટ્રીક, માઇક્રો બાયોલોજી વિભાગના એચ.ઓ.ડી. વગેરે હાજર રહ્યા હતા.