વલસાડની નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ કેમ્પર્સમાં આવેલી હોસ્ટેલના એક રૂમમાં લો કોલેજના 2 વિદ્યાર્થીઓ સહિત 4 લોકોને સીટી પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. જે ઘટના બાદ 2 વિદ્યાર્થીઓને કોલેજમાંથી રસ્ટીગેટ કરવામાં આવ્યાં હતા. જે બાદ તાજેતરમાં લેવાયેલી લો કોલેજની પરીક્ષાનું પરિણામ જાહેર થતા રસ્ટીગેટ થયેલા 2 વિદ્યાર્થી પૈકી 1 વિદ્યાર્થી એક વિષયમાં પાસ થયો હોવાનું દર્શાવતા યુનિવર્સીટી દ્વારા થયેલા છબરડાને લઈને અન્ય વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
વલસાડ નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ કેમ્પર્સમાં આવેલી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોય હોસ્ટેલ બનાવવામાં આવી છે. જે હોસ્ટેલના એક રૂમમાં લો કોલેજના 2 વિદ્યાર્થીઓ અને 2 બહારના લોકો સહિત 4ને દારૂની મહેફિલ માણતા સીટી પોલીસે ઝડપી પાડયા હતા. જે બાદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા રસ્ટીગેટ કરવામાં આવ્યા હતા. રસ્ટીગેટ બાદ લો કોલેજમાં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી. જોકે, તેમ છતાં તાજેતરમાં જાહેર થયેલા રિઝલ્ટમાં રસ્ટીગેટ થયેલા 2 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી અબ્દુલ કાદિર ઉર્ફે સફિખુદીન શેખ, 1 વિષયમાં પાસ થયો હોવાનું જાહેર થતા અન્ય વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. યુનિવર્સીટીનો છબરડો સામે આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે વલસાડની લો કોલેજના આચાર્ય નીલમબેન રાવલનો સંપર્ક કરતા તેઓ ધરમપુર ગયા હોવાનું જાણવા મળ્યું હતું.