ઘટના અંગે મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ડામરસ્તા ચેકડેમ, પુલ, બ્રિજ સહિતના વિકાસનો કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે એક સબ કોન્ટ્રાક્ટરને વલસાડમાં વર્ષ 2019-2020 માં વલસાડ જીલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેર કચેરી પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ રાખેલ હતું. સબ કોન્ટ્રાક્ટર દ્વારા તમામ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજુર કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર નીલય ભરત નાયક તથા આસિ.ઇજનેર અનિરુદ્ધ માધુસિંહ ચૌધરી એ સબ કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખની લાંચની માંગણી કરી હતી.
સબ કોન્ટ્રાક્ટર અને નાયબ કાર્યપાલક ઇજનેર નીલય નાયક અને આસિસ્ટન્ટ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી સાથે રકઝક થયા બાદના અંતે કોન્ટ્રાક્ટર સાથે રૂા 15 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું. આટલી મોટી રકમ કોન્ટ્રાક્ટર આ નાયબ કાર્યપાલક ઇજનેરને આપવા માંગતો ન હતો જેથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. સબ કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે 15 લાખની ૨કમ આપવાનું નક્કી થતાં વલસાડ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય ગેટ પર લાંચની રકમ લેવા આવેલા નાયબ કાર્યપાલક ઇજનેર નિલય ભરત નાયકની સાથે ખાનગી વ્યક્તિ એવા કોન્ટ્રાક્ટર વિક્રમ કાંતિભાઈ પટેલ એસીબીના હાથે ઝડપાઈ ગયા હતાં. જ્યારે માર્ગ મકાન વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર અનિરુદ્ધ મધુસિંહ ચૌધરી સ્થળ પર હાજર નહોતો. સુરત એસીબી ની ટીમે વલસાડ માર્ગ મકાન પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નિલય ભરત નાયક તથા ખાનગી વ્યક્તિ એવા કોન્ટ્રાક્ટર વિક્રમ કાંતિભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.