વલસાડ જિલ્લા પોલીસ દ્વારા થર્ટી ફસ્ટની ઉજવણી સમયે રાખવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં વલસાડ પોલીસે 2278 લોકોને પાંજરે નાખ્યા હતા
ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતમાં દારૂ ન પીવાય પરંતુ ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં જેટલો પીવો હોય એટલો દારૂ પી શકાય. પરિણામે થર્ટી ફર્સ્ટના દિવસે દમણમાં દારૂ પીને ગુજરાતમાં આવનારા પોલીસના હાથે ઝીલાઈ જાય છે. દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરવો ગુનો હોય પોલીસ કાર્યવાહી કરે છે. વલસાડ જિલ્લા પોલીસે થર્ટી ફસ્ટની રાત્રે 1322 લોકોને જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર અને 32 ચેકપોસ્ટ પર દારૂનો નશો કરી આવતા ઝડપી પાડ્યાં છે. ઉપરાંત થર્ટી ફસ્ટની પૂર્વ રાત્રે 956 જેટલા લોકો પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર 75 બ્રેથએનલાઈઝર વડે ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં 1322 લોકોની પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી. પોલીસના હાથે પકડાઈ ગયેલાઓની યાદી એટલી મોટી હતી કે તેમને પોલીસ સ્ટેશનમાં રાખી શકાય તેમ ન હતું. પરિણામે આ લોકોને રાખવા માટે પોલીસે હોલ ભાડે રાખવા પડ્યા. તેમજ કેટલીક જ્ગ્યાએ મંડપ પણ બનાવવામાં આવ્યા હતા. તમામ લોકોનું મેડિકલ ચેકઅપ સ્થળ પર જ થાય તે હેતુસર મેડિકલની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. સુરત રેન્જ વડા પિયુષ પટેલના ચક્રવ્યૂહમાં રેન્જ પોલીસ તેમજ ખાસ કરી વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના કડક વલણથી વલસાડ પોલીસે દારૂ પીનારને પરસેવા પાડ્યો હતો.
કાર્તિક બાવીશી