ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરી રહેલા અભિનેતા પરેશ રાવલે બંગાળીઓ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદમાં ઘેરાયા છે. એક રેલીમાં, તેમણે કહ્યું કે ગુજરાતના લોકો મોંઘવારી સહન કરશે, પરંતુ પડોશના “બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ” નહીં. ભારે વિરોધ વચ્ચે તેમણે આજે માફી માંગી છે.
ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે ગુજરાતીમાં જ લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માંગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, ‘ગેસ સિલિન્ડર મોંઘા છે પણ તે સસ્તા થઈ જશે. લોકોને રોજગાર પણ મળી જશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે ત્યારે શું થશે. જેવું દિલ્હીમાં થઈ રહ્યું છે. પછી તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?”
આ દરમિયાન પરેશ રાવલે ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતની જનતા મોંઘવારી સહન કરી શકે છે પણ આ નહીં. વિપક્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ જે રીતે અપશબ્દો બોલે છે, તેમાંથી એક વ્યક્તિએ પોતાના મોં પર ડાયપર પહેરવાની જરૂર છે. આ દરમિયાન અભિનેતા પરેશ રાવલ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા જોવા મળ્યા હતા.
રાવલે કહ્યું કે, તેઓ અહીં પ્રાઈવેટ પ્લેનમાં આવશે અને પછી રિક્ષામાં બેસીને શો-ઓફ કરશે. અમે આખી જિંદગી અભિનય કર્યો છે પણ આવો ખેલ ક્યારેય જોયો નથી. અને હિંદુઓ વિરુદ્ધ ખૂબ ગાળો આપી. તેમણે શાહીન બાગમાં બિરયાની ઓફર કરી હતી.
પરેશ રાવલના આ નિવેદનને લઈને ઉગ્ર વિવાદ શરૂ થયો અને વિપક્ષી નેતાઓ તેમની ટીકા કરી. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ તેમની આકરી ટીકા કરી હતી. ઘણાએ તેને બંગાળીઓને ઉદ્દેશીને “દ્વેષયુક્ત ભાષણ” કહ્યું. અન્ય લોકોએ તેને બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ સામે “જેનોફોબિક ડોગ-વ્હિસલિંગ” તરીકે વર્ણવ્યું હતું.
ગુસ્સે ભરાયેલા લોકોના ટ્વીટ્સ પછી આજે સવારે પરેશ રાવલે માફી પત્ર લખીને દાવો કર્યો હતો કે તેમનો અર્થ “ગેરકાયદે બાંગ્લાદેશીઓ”થી હતો. આ પોસ્ટ સ્પષ્ટતા માંગતા યુઝર્સના જવાબમાં હતી.