પારડીના ચંદ્રપુર ગામે, પાર નદી પાસેની અવાવારૂં જગ્યાએથી ગત 28 મી સપ્ટેમ્બરે કાર નંબર GJ15-CG–4326 માંથી તિથલ-સેગવી રોડ પર સેગવી ગામે રહેતી મહિલા સીંગર વૈશાલી હિતેશ બલસારાની હત્યા કરી દેવાયેલ લાશ મળી આવવાની ઘટનાથી ચકચાર મચી હતી. આ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. મહિલા સીંગરની ગળે ટુંપો દઇને હત્યા કરનાર મુખ્ય કોન્ટ્રાક્ટ કલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ ગુરમેલસીંગ ભાટીને પંજાબના લુધિયાણાના ગાલિબ ક્લાન ગામેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી સુખવિન્દરની પ્રાથમિક પૂછપરછમાં તેને હત્યાની માસ્ટર માઇન્ડ બબીતા કૌશિક સાથે 11 વર્ષો પહેલા ફેસબુક પર ઓળખાણ થઈ હતી. ત્યારથી તેઓ ફેસબુક ફ્રેન્ડ બન્યા હતાં. તે વખતે હત્યારાની ઉંમર 19 વર્ષની હતી. પછી બંને જણાએ ફેસબુક એકાઉન્ટો બદલ્યા હતાં, ઘટનાના દશેક દિવસ પહેલા બબીતાએ કોન્ટ્રાક્ટ કિલરનો ફેસબુક પર કોન્ટેક્ટ કરીને હત્યાની સોપારી આપી હતી. યોજના મુજબ મુખ્ય કોન્ટ્રાક્ટ કિલર સુખવિન્દર તેના સાગરિતો ત્રિલોકસીંગ અને અન્ય એક ઇસમ સાથે બનાવના આગલા દિવસે પંજાબથી ટ્રેનમાં બેસીને વલસાડ આવ્યા હતાં અને હત્યાને અંજામ આપ્યો હતો. વૈશાલી બલસારાની હત્યા કરીને લાશને પાર નદી કિનારે મુકી દીધા બાદ હત્યારાઓ રીક્ષામાં ડુંગરી પહોંચ્યા હતાં અને ડુંગરીથી સ્પેશ્યલ રીક્ષા કરીને સુરત પહોંચ્યા હતાં સુરતથી તેઓ ટ્રેનમાં બેસીને પંજાબ ભાગી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેસમાં પોલીસે સઘન તપાસ કરી પહેલા બબીતાની ધરપકડ કરી હતી. જે બાદ હત્યામાં સંડોવાયેલ ત્રિલોકસીંગની ધરપકડ કરી હતી. અને હાલમાં મુખ્ય કિલર એવા સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ ગુરમેલસીંગ ભાટીની ધરપકડ કરી છે. જેઓએ વૈશાલીની હત્યા માટે બબીતા પાસેથી 8 લાખની સોપારી લીધી હતી. બબીતાએ વૈશાલી પાસેથી 25 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા. જેની ઉઘરાણી વૈશાલીએ કરતા બબીતાએ તેનો કાંટો કાઢી નાખવા પંજાબના કોન્ટ્રાકટ કિલરને સોપારી આપી હતી.
વલસાડની સિંગર વૈશાલી હત્યા કેસમાં પોલીસે પંજાબના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની કરાઇ ધરપકડ.
Advertisement