કોણ કહે છે કે દારૂથી જ નશો થતો હોય છે. એવું નથી નશો કરવાના આદી બનેલા ઇસમો કોઈપણ રીતે નશો કરતા હોય છે. જેમાં ખાસ કરીને ખાંસીની દવા, થીનર, પંચર પડેલા ટ્યુબને ચીપકાવવામાં વપરાતી સોલેશન સહિત અન્ય પદાર્થોથી નશો કરતા હોય છે ત્યારે આજરોજ વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ પર આવેલા રામરોટી ચોક પરથી ત્રણ જેટલી મહિલાઓ પોતાની રીતે રસ્તા પર ચાલતી જઈ રહી હતી તે દરમિયાન એક 50 વર્ષીય ઇસમે આ ચાલતી ત્રણેય મહિલાઓ ઉપર બાટલી વડે હુમલો કર્યો હતો. જેમાં વલસાડના બોદલાઈ ગામની સ્વેતાબેન ગિરીશભાઈ પટેલ ઉંમર વર્ષ 32 જેવો બજારમાં સામાન લેવા આવ્યા હતા અને પગપાળા ચાલતી વખતે આ ઈસમે મહિલાને નાકના ભાગે કાચની બાટલી મારી નાક ફાડી નાખી ભાગી છૂટ્યો હતો.
જોકે આ ઈસમને પકડવા માટે દુકાનદારો અને રાહદારીઓએ તેને પકડી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. મહિલાને ઈજા પહોંચાડનાર ઈસમ સોલેશનને રૂમાલમાં નાખી ભીજવી તેનો નશો કરતો હોવાનું ઘટના સ્થળેથી જાણવા મળ્યું હતું. રસ્તા પરથી પસાર થતા લોકોમાં માત્ર મહિલાને જ ટાર્ગેટ બનાવતો હતો. ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસ મથક અને ટ્રાફિક જમાદાર નાનાભાઈ તેમની ટીમ સાથે દોડી ગયા હતા પોલીસે આરોપીની પોલીસ મથકે લઈ આવ્યા હતા.
કાર્તિક બાવીશી : વલસાડ