વલસાડના કપરાડામાં આદિવાસી સમાજના હિત માટેની કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આદિવાસી અધિકાર યાત્રા સફળ બનાવવાનું આયોજન હાથ ધરાયું હતું.
વલસાડના કપરાડામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને ‘ડેમ હટાવો, આદિવાસી બચાવો’ના નારા લગાવ્યા હતા. આ પ્રોજેક્ટના વિરોધ માટે આગામી 25 તારીખે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ તેજ બની રહ્યો છે. અગાઉ ધરમપુર, વાંસદા અને અન્ય આદિવાસી વિસ્તારોમાં રેલી અને ધરણા યોજાયા બાદ આજે વલસાડના કપરાડામાં આદિવાસીઓની રેલી યોજાઈ હતી. અહીં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા. વિવિધ લખાણો સાથેના પ્લેકાર્ડ સાથે પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં જનતાના અવાજને દબાવવામાં આવી રહ્યો છે, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીની સરકાર આદિવાસી ખેડૂતો અને જનતાની જમીન હડપી લે છે ત્યારે સમાજમાં ફરીથી ગરીબી અને ગુલામી નાં ફેલાય તે માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં તારીખ 25 ના રોજ ગાંધીનગર ખાતે રેલી યોજી સરકારને ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો સરકાર દ્વારા આદિવાસીઓને જમીન હક આપવામાં આવે તેમજ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સગવડતાઓ પૂરી પાડવામાં આવે પીવાનું પાણી, શિક્ષણ માટે સ્કૂલો, રસ્તા સહિતની માંગણીઓ ન સંતોષાતા આદિવાસી સમાજ સાથે અન્યાય થતાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સરકાર સમક્ષ ઘેરાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તારીખ 25 ના રોજ રેલી સ્વરૂપે ગાંધીનગર ખાતે સરકારને ઘેરાવ કરવામાં આવશે. આ કાર્યક્રમમા સુખરામ રાઠવા, માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી, AICC ડેલીગેટ ગૌરવ પંડ્યા અને અભિનવ ડેલકર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.