સૌજન્ય/વલસાડ ખાતે પ્રથમવાર 167 ફૂટ લાંબી વિશાળ ચૂંદડી પદયાત્રાનું આયોજન કરાયું હતું. વિવિધ સંસ્થાઓના સાથ અને સહકારથી આયોજિત ચૂંદડી પદયાત્રા બુધવારે શરદપૂનમના પવિત્ર દિવસે બપોરે હાલર તળાવ પાસે ભવાનીમાતાના મંદિરેથી નિકળી હતી. આ ઐતિહાસિક ચુંદડી પદયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા લાલસ્કૂલ પાસે સ્વાગત કરાયું હતું. સાથે જ પદયાત્રીઓ માટે ઠંડાપાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિવિધ સંપ્રદાયો તેમજ દરેક સમાજના લોકોને સાથે લઈ સૌ પ્રથમવાર યોજાયેલી ચૂંદડી પદયાત્રા અને ધ્વજારોહણ પ્રસંગને સૂપેરે પાર પાડવા વિવિધ સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. હાલર ભવાની માતાના મંદિરેથી શરદપૂનમે ચૂંદડી પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. જેમાં ભાગવતાચાર્ય શરદ વ્યાસ, ડો. નરેશ ભટ્ટ, ધારાસભ્ય ભરત પટેલ, પ્રમુખ પંકજ આહિર અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ભજન કીર્તનની રમઝટ અને સૂર-સંગીતના તાલે યાત્રામાં જોડાનાર ભક્તોએ ગરબાની રમઝટ બોલવી હતી. આ પદયાત્રા શહેરના મુખ્યમાર્ગ હાલરરોડથી ટાવર અને ત્યાંથી એમજી રોડ થઈ મોટાબજાર પ્રાચીન અંબામાતાના મંદિરે પહોંચી હતી. જ્યાં માતાજીને ચૂંદડી અર્પણ કરાઈ હતી.