સૌજન્ય/વલસાડ ખાતે પ્રથમવાર 151 ફૂટ લાંબી વિશાળ ચૂંદડી પદયાત્રાનું આયોજન વિવિધ સંસ્થાઓના સહયોગથી કરાયું છે. આગામી 24મી ઓક્ટોબરને બુધવારે શરદપૂનમના પવિત્ર દિવસે બપોરે હાલર તળાવ પાસે આવેલા ભવાનીમાતાના મંદિરેથી ચૂંદડી પદયાત્રા નિકળી શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ મોટાબજારના અંબાજીમાતા મંદિરે પહોંચશે. શહેરમાં એકતા અને ભાઈચારો અકબંધ રહે તથા વિવિધ સંપ્રદાયો તેમજ દરેક સમાજના લોકોને સાથે લઈ સૌ પ્રથમવાર યોજાનાર આ ચૂંદડી પદયાત્રા અને ધ્વજા રોહણ પ્રસંગને સુપેરે પાર પાડવા માટે વિવિધ સંસ્થાના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શનિવારે આ અંગે સરકીટ હાઉસ ખાતે મળેલી પ્રેસ કોન્ફરન્સ માં ચૂંદડી પદયાત્રાની વિગતવાર માહિતી અપાઈ હતી.
સમગ્ર ભારતભરની શક્તિપીઠોમાં દર શરદપૂનમે માતારાનીની વિશાલ ચૂંદડી પદયાત્રા નિકળતી હોય છે. આવી જ પદયાત્રા વલસાડમાં કેમ ન નિકળી શકે, તેવા દ્રઢ નિર્ણય સાથે સૌ પ્રથમવાર પ્રીતિબેન પાંડેને આ પદયાત્રાનો વિચાર આવ્યો હતો. તેમણે તેમના ગ્રુપમાં આ હકીકત જણાવતાં સૌએ એકી અવાજે આ કાર્યક્રમને લીલી ઝંડી આપતા આ પ્રસંગને ઉજવવા તૈયારીઓ ચાલી રહી છે. હાલર ખાતે આવેલા ભવાની માતાના મંદિરેથી શરદપૂનમે બપોરે 3 કલાકે ચૂંદડી યાત્રાનું પ્રસ્થાન થશે. જે મોટાબજાર ખાતે આવેલા પ્રાચીન અંબામાતાના મંદિરે પહોંચશે. જ્યાં માતાજીને ચૂંદડી અર્પણ કરાશે. વલસાડમાં પ્રથમ વખત પૂનમના દિવસે માતાજીની ચંુદડીની પદયાત્રા માટે આયોજકો દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. આ યાત્રાની સાથે શહેરના રહીશોમાં કોમી એકતાનો સંદેશો પણ અપાશે.
દોઢ કિમીની પદયાત્રા શહેરમાં ફરશે
હાલર ભવાનીમાતાના મંદિરેથી નિકળી સરકીટ હાઉસ થઈ આઝાદ ચોકથી એમજી રોડ ઉપરથી પસાર થઈ મોટાબજાર સ્થિત અંબામાતાના મંદિર સુધીની દોઢ કિમીની આ વિશાળ ચૂંદડી પદયાત્રામાં ભક્તોને મોટી સંખ્યામાં જોડાવા સંસ્થાઓ દ્વારા જણાવાયું છે.
પદયાત્રામાં સમભાવનું ઉમદા દ્રષ્ટાંત
આ વિશાળ ચૂંદડી પદયાત્રામાં ભાગ લેનાર દરેક પદયાત્રીઓનું મુસ્લિમ સમાજ, જૈન સમાજ અને શીખ સમાજ દ્વારા યાત્રાનું રૂટ પર સ્વાગત કરાશે. શહેરમાં પ્રથમવાર યોજાનાર વિશાળ ચૂંદડી પદયાત્રાના સ્વાગત માટે દરેક સમાજમાં હર્ષોલ્લાસ સાથે ઉમંગ છવાયો છે.