નવરાત્રિનો માહોલ હવે ધીરે ધીરે જામી રહ્યો છે. ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમી રહ્યા છે. બદલાતા જમાનામાં ગરબાની સ્ટાઈલ પણ અવનવી રહેતી હોય છે. હાલમાં દોઢિયા અને રિમિક્સ-નોનસ્ટોપના ચલણમાં પરંપરાગત શેરીગરબાનો ટ્રેન્ડ હજુપણ શેરી-મહોલ્લા માં ગૂંજી રહ્યો છે.
વલસાડના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ, શેરી-મહોલ્લા અને ખૂલ્લા પ્લોટમાં આસપાસમાં રહેતા રહીશો દ્વારા ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ઉપરાંત શહેરના મુખ્યમાર્ગ પર આવેલા બજાર વિસ્તારમાં પણ ત્યાં રહેતા લોકો દ્વારા ગરબા રમાય છે. શહેરના મુખ્ય બજાર, શાકભાજી માર્કેટ, મદનવાડ, અંબામાતા મંદિર પરિસર, મોટાબજાર, છીપવાડ, નાની મહેતવાડ, તિથલરોડ, હાલર ફળિયું સહિત અનેક વિસ્તારમાં આજે પણ શેરીગરબા જીવંત લાગે છે. પરંપરાગત વાજીંત્રો સાથે ઢોલ અને મંજીરા સાથે રમાતા શેરીગરબાનો મિજાજ જ કંઈ ઓર હોય છે.
પરંપરાગત વસ્ત્રોની જ બોલબાલા
શેરીગરબામાં રમતા ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં જ સજ્જ રહેતા હોય છે. જેને લઈ એક સાદગી અને ધાર્મિક વાતાવરણ જોવા મળે છે. વર્ષો જૂની રીત-રિધમથી રમાતા આ શેરીગરબાને જોવા એક લ્હાવો છે. જ્યારે દોઢિયા રમતા ખેલૈયાઓ અવનવી વેશભૂષા સાથે ગરબા રમતા જોવા મળે છે.
માથે દીવા સાથેનો ગરબો નહિંવત
ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતમાં માથે દીવા મૂકીને રમાતા ગરબાનો નજારો શહેરોમાં નહિવત જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં તો આ પ્રકારના ગરબા કદાચ ઓછા રમાતા જોવા મળે છે. સૌજન્ય