શહેરની યુવા ફિલ્મ અભિનેત્રીની પ્રથમ ગુજરાતી ફિલ્મ આગામી દીવાળી બાદ રિલીઝ થઈ રહી છે. આ અભિનેત્રીની તેલુગુમાં રિલીઝ થયેલી પ્રથમ હોરર ફિલ્મનું હિન્દી વર્ઝન બુધવારે રાત્રે 8 કલાકે મૂવી ઓકે ચેનલ પર પ્રસારિત થઈ રહી છે. જેને લઈ તેના પરિવારજનો અને સમગ્ર શહેરના યુવા દિલોમાં ભારે ઉત્કંઠા જાગી છે.
આપણે વાત કરીએ છીએ વલસાડની યુવા ફિલ્મ અભિનેત્રી પૂજા ઝવેરીની. પૂજાએ વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ધો.10સુધીનો અભ્યાસ પૂર્ણ મુંબઈની વાટ પકડી લીધી હતી. શરૂઆતથી જ તેને નૃત્ય અને ગીત-સંગીતમાં તો ભારે શોખ હતો. વલસાડમાં તેણે પ્રથમવાર ડાન્સના ક્લાસ પણ શરૂ કર્યા હતા.2008 માં પૂજાએ મુંબઈ ખાતે પણ ડાન્સ અને ગ્રાફિક્સની પરંપરા ચાલુ રાખતાં ઘણા ખરા ફિલ્મ અદાકારો સાથે મુલાકાત થતી રહી હતી. ખાસ કરીને બોલીવુડના ડાન્સ માસ્ટર રેમો ડિસોઝા અને વૈભવી મર્ચન્ટ સાથે પણ તેણે નૃત્યનો થનગનાટ ચાલુ રાખ્યો હતો.
પૂજા એ એક મુલાકાતમાં જણાવ્યું કે, એક ફિલ્મના શુટિંગ સમયે તેની મુલાકાત ફિલ્મ અભિનેત્રી વિદ્યાબાલન સાથે થઈ હતી. તેણે પૂજાની ઊંચાઈ અને સરસ દેખાવને લઈ તેને ફિલ્મમાં કામ કરવા જણાવ્યું હતું. વિદ્યાબાલને ફિલ્મ દુનિયાની ઘણી ટીપ્સ પૂજાને આપી હતી.ત્યારબાદ પૂજાએ પોર્ટફોલિયો તૈયાર કરી ફિલ્મ દુનિયાની સફર શરૂ કરી હતી. તેલુગુ ફિલ્મ ‘બમ બમ ભોલેનાથ’માં ઓફર મળતાં તેણે મુખ્ય અભિનેત્રીનો રોલ અદા કર્યો હતો. ત્યારબાદ તેની ફિલ્મનો ગ્રાફ વધતો રહ્યો હતો. પૂજાએ અત્યાર સુધી 9 તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવી ચૂકી છે, અને 6 થી 7 તેલુગુ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. તેના જણાવ્યા મુજબ આ તમામ તેલુગુ ફિલ્મમાં મોટાગજાના અદાકારો સાથે તેણે રોલ ભજવ્યો છે.
પૂજાની પ્રથમ હોરર ફિલ્મ ટીવીના પડદે
પૂજા ઝવેરીએ તેલુગુ પ્રથમ હોરર ફિલ્મમાં પણ પાત્ર ભજવ્યું છે. જેને હિન્દીમાં પણ ડબ કરાઈ છે. આ ફિલ્મનું પ્રસારણ 10મી ઓક્ટો.બુધવારે રાત્રે 8 કલાકે મૂવી ઓકે ચેનલ પર થવાનું છે. જેમાં પૂજાએ મુખ્ય પાત્ર ભજવ્યું છે.
‘મિ.કલાકાર’ પૂજાની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે
વલસાડની યુવા અભિનેત્રી પૂજા ઝવેરી હવે તેલુગુ ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ પદાર્પણ કરી રહી છે. સામાજીક સંદેશ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ આગામી દીવાળી બાદ રિલીઝ થઈ રહી છે. જેમાં ફિરોઝ ઈરાનીનો દીકરો અક્ષત ઈરાની મુખ્ય ભૂમિકા માં છે. ઉપરાંત મનોજ જોશી, અદિ ઈરાની વગેરે સાથી કલાકારો છે. અમદાવાદની પોળ અને શેરી મહોલ્લામાં આ ફિલ્મનું શુટિંગ કરાયું છે…સૌજન્ય D.B