ટ્રેનોમાં મુસાફરોને મારમારી લૂંટી લેવાના અને નીચે ફેંકી દેવાના ગુનાઓ આચરતી એક ગેંગનો એક આરોપી વલસાડ આરપીએફ પોલીસના હાથે લાગી ગયો હતો. જે મંગળવારે બપોરે મુંબઈથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં 4 મુસાફરોને મારમારી મોબાઈલ અને રૂપિયા લૂંટી લેનારી ગેંગના એક આરોપીને નવસારીથી ઝડપી પાડ્યો હતો, જ્યારે 3 આરોપી ભાગી છૂટ્યા હતા. આરોપી પાસેથી 4 મોબાઇલ અને રૂ. 1300 કબ્જે લીધા છે.
પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં વાપીથી સંતોષ ગુપ્તા અને રામપ્રતાપ યાદવ ભરૂચ જવા માટે બેઠા હતા. જ્યારે રઘુનંદન શર્મા અને વિજાતસિંગ મીના વાપીથી રાજસ્થાનના સવાઈ માધવપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના ડબ્બામાં કોઈક ચાર અજાણ્યા ઈસમોની ગેંગે ઘૂસી જઈ કોઈક બાબતે રકઝક કરતા મારામારી થઈ હતી. જેમાં સંતોષ ગુપ્તાનો મોબાઈલ અને રૂ.2350 લૂંટી તેના માથામાં ફટકો માર્યો હતો. જ્યારે સંતોષની સાથે રહેલા રામપ્રતાપ યાદવને મોંઢાના ભાગે તમાચો મારી દેતાં જીભમાં ઈજા પહોંચી હતી. અન્ય મુસાફર વિજય દેવીપૂજક જે મુંબઈથી સુરત જઈ રહ્યો હતો, તેનો ફોન ચોરી ગયા હતા. વલસાડ ખાતે આ ટ્રેન બપોરે 3:00 કલાકે આવી પહોંચી હતી. સંતોષ ગુપ્તાને ઇજા પહોંચાડી આ ગેંગે વલસાડ પ્લેટફોર્મ ઉપર ફેંકી દીધો હતો. તેની સાથે અન્ય મુસાફરો પણ ગભરાઈ જતાં વલસાડ સ્ટેશને ઉતરી પડ્યા હતા. ઇજાગ્રસ્ત સંતોષ ગુપ્તાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તમામે રેલવે આરપીએફને ઘટનાની જાણ કરતાં વલસાડ આરપીએફે નવસારી ખાતે આરપીએફને જાણ કરી દીધી હતી. આ ટ્રેન નવસારી ખાતે પહોંચે તે પહેલાં આરપીએફની ટીમ સ્ટેશન પર પહોંચી ગઈ હતી. પોલીસે 4 આરોપીઓ પૈકી 1 આરોપીને પકડી પાડ્યો હતો. જેની પાસેથી અમુક મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો…સૌજન્ય D.B