સૌજન્ય-D.B_તિથલરોડ પર આવેલી કુસુમ વિદ્યાલયમાં ધો.5માં ભણતો એક વિદ્યાર્થી કોન્વેન્ટ સ્કૂલની શિક્ષિકા ના ઘરે ટ્યૂશને ગયો હતો. હોમવર્ક કરી ના લાવતાં આ ટીચરે તેને સ્ટીલની ફૂટપટ્ટીથી હાથે અને પગે ફટકાર્યો હતો. જેને લઈ તેના શરીરે લાલ નિશાન પડી ગયા હતા. જે અંગે વિદ્યાર્થીના પિતાએ રવિવારે સિટી પોલીસમાં કોન્વેન્ટની ટીચર વિરૂધ્ધ એક લેખિત અરજી આપતાં પોલીસે દફ્તરે નોંધ કરી છે.
અરજીમાં જણાવ્યું છે કે, વલસાડના પારડી-સાંઢપોર ખાતે કૈલાસ રોડ પર આવેલા સાઈધામ એપાર્ટમેન્ટમાં રૂમનં.105માં રહેતા સીમાબેન તસીલકર જેઓ ધરમપુરરોડ પર આવેલી સેન્ટ જોસેફ ઈ.ટી.સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના જ ઘરમાં પ્રાઈવેટ ટ્યૂશન ક્લાસ બપોરે 3:30થી સાંજે 5:30 સુધી ચલાવે છે. નજીકમાં આવેલા શેઠિયાનગરમાં રહેતો અને કુસુમ વિદ્યાલયમાં ધો.5માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી સીમા ટીચરના ઘરે ટ્યૂશનમાં આવે છે. શનિવારે ટ્યૂશને આવેલા આ વિદ્યાર્થીને સીમા ટીચરે સ્ટીલની ફૂટપટ્ટીથી હાથના બંને ભાગે અને પગમાં પણ ફટકાર્યો હતો. ઉપરાંત તેને હોમવર્ક કરવા રાત્રે 8 વાગ્યા સુધી શિક્ષિકાએ તેના ઘરે બેસાડી રાખ્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના પિતાએ સિટી પોલીસમાં આપેલી લેખિત રજૂઆતમાં કર્યો છે. વારંવાર ટ્યૂશનિયા ટીચરોના રોષનો ભોગ બનતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માં આ બનાવને લઈ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
શિક્ષિકાને સબક આપવા પોલીસમાં રજૂઆત
મારા દીકરાને સીમા ટીચરના ઘરે પ્રથમવાર ટ્યૂશને મોકલાવ્યો હતો. તે અગાઉ બીજા ટીચરને ત્યાં ટ્યૂશન જતો હતો. ઉપરાંત તે થોડો અભ્યાસમાં પણ નબળો હોવાથી નજીકમાં રહેતા સીમા ટીચરને ત્યાં મૂક્યો હતો. સીમા ટીચરે મારા દીકરા સાથે આ પ્રકારની વર્તણૂંક કરતાં મારે તેમને સબક શિખડાવવા પોલીસમાં જવું પડ્યું હતું.વિદ્યાર્થીના પિતા