સૌજન્ય-DB/વલસાડ: હાલ ગણપતિબાપાનો મહોત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. વલસાડમાં પણ ઉત્સવની પરાકાષ્ઠાએ ભક્તો શ્રીજીની ભક્તિમાં લિન બની ગયા છે. ત્યારે શહેરના શાંત અને ભાઈચારાના વાતાવરણને ડહોળવાનો નિર્લજ્જ પ્રયાસ હાથ ધરાતાં ભક્તોનું લોહી ઉકળી ઉઠ્યું હતું. મંગળવારે સાંજે શાકભાજી માર્કેટના એક વેપારીના મોબાઈલમાં ફેસબુક પર અપલોડ કરાયેલી ગણપતિદાદાની મૂર્તિ પર કૂતરો પેશાબ કરી રહ્યો હોવાની તસ્વીરને આ વેપારીએ તેના ગ્રુપમાં ફોરવર્ડ કરી દેતાં અડધા કલાકની અંદર શહેરના શાકભાજી માર્કેટમાં ભારે હોબાળો મચી ગયો હતો. વેપારીઓએ આ વેપારીને પકડી પાડી બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને સોંપી દીધો હતો. મોડીસાંજે આ લખાઈ રહ્યું છે, ત્યારે પોલીસ તેની સઘન તપાસ કરી રહી હોવાનું જણાયું છે.
વલસાડ શહેરમાં હંમેશા દરેક કોમના વિવિધ તહેવારો રંગેચંગે ઉજવાતા રહ્યા છે. હાલ ગણેશ મહોત્સવ ભક્તિભાવ અને આનંદપૂર્વક ઉજવાઈ રહ્યો છે,ત્યારે શહેરના શાકભાજી માર્કેટમાં બેકરી પ્રોડક્ટનો વેપાર કરતા આઝાદ અન્સારીના મોબાઈલ પર મંગળવારે સાંજે 8 કલાકની આસપાસ કોઈ ચેલદીરામ વર્મા નામના ઈસમે ફેસબુક પર ગણેશજીની મૂર્તિ પર એક કૂતરો પેશાબ કરી રહ્યો હોવાની તસ્વીર અપલોડ કરી હતી. તેણે તેની કોમેન્ટમાં લખ્યું છે કે, ગણેશજીકા પૂજા કરતા હુઆ કૂત્તા. આ મેસેજને આઝાદ અન્સારીએ તેના ગ્રુપમાં વાયરલ કરી દેતાં શહેરમાં હિન્દુ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શાકભાજી માર્કેટમાં આ વાત વાયુવેગે પ્રસરી જતાં આઝાદ અન્સારીને તેની દુકાનમાંથી ઢસડી લાવી લોકોએ જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
ક્રોધિત ભરાયેલા હિન્દુ સંઘઠનોમાં આ સમાચાર પહોંચી જતાં લોકોનાં ધાડેધાડાં બજારમાં ઉમટી પડ્યા હતા. લોકોએ આઝાદને ટાવર સુધી ફટકારતાં ફટકારતાં ઢસડી લાવી આઝાદ ચોકી પોલીસને સોંપી દીધો હતો. આ બનાવ માં મોડીરાત્રે ફરિયાદ નોંધાય તેવું પોલીસ સાથેની વાતચીતમાં જાણવા મળે છે.
આઝાદની પૂછપરછ બાદ ફરિયાદ લઈશું
શાકભાજી માર્કેટમાં આઝાદ અન્સારી નામના વેપારીએ હિન્દુઓની લાગણી દુભાય તેવો ફોટો મોબાઈલ પર વાયરલ કરતાં સાંજે બબાલ થઈ હતી. લોકોના ટોળાં માંથી છોડાવી આઝાદને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છીએ. તેની સઘન તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધીશું.-એન.કે.કામળિયા, પીઆઈ,સિટી પો.સ્ટેશન,વલસાડ