ગુજરાતની કોર્ટોમાં નવા ૪૦ એડી. સિવિલ જજોને નિમણુંકો અપાઇ જાહેર થયેલ પસંદગી યાદીમાંથી નવનિયુકત જજોને પોસ્ટીંગ આપતી હાઇકોર્ટઃ રાજકોટના બે વકીલોને જજ તરીકેની નિમણુંક મળીઃ મોરબી ખંભાળીયા, સુરેન્દ્રનગર, જુનાગઢ, વેરાવળ સહિતના : સ્થળોએ નિમણુંકો અપાઇઃ એપ્રિલમાં પરિણામ જાહેર થયું હતું
(કાર્તિક બાવીશી )તાજેતરમાં સીનીયર સિવિલ જજની કેડરમાં પસંદ થયેલા ૪૦ જેટલા પસંદ થયેલા વકીલો-કોર્ટ સ્ટાફમાંથી જાહેર થયેલ યાદીમાં સમાવેશ થયેલાઓને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જયુડીશીયલ ઓફીસર (સિવિલ જજ) ની નિમણુંક આપવાના આદેશો કરવામાં આવેલ છે. જજ તરીકે પસંદ થયેલ યાદીમાંથી રાજકોટના વકીલ તુષારભાઇ ધ્રોણીયા અને કૌશિક એન. નિમાવત ને અનુક્રમે ખંભાળીયા અને સુરેન્દ્રનગર ખાતે એડીશ્નલ સિવિલ જજ તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. આ ઉપરાંત અલ્પાબેન પ્રભુદાસ કડીવારને જુનાગઢ, અપુર્વ કીરીટકુમાર જાનીને મોરબી ખાતે, પિયુષ એન. લાખાણીને વેરાવળ ખાતે, જયદ્રથ વિનોદભાઇ જોષીને વેરાવળ ખાતે તથા જીજ્ઞેશ રમેશભાઇ ભટ્ટને જુનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. જયારે ઝાકીર હુશેન ગુલામ રસુલ ને ભાવનગર જેતપુર કોર્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવી જજ તરીકે પસંદ થયેલા ઉંમરખાન પઠાણને જુનાગઢ ખાતે તેમજ નરેશકુમાર રમેશભાઇ ગોહીલને પોરબંદર ખાતે અને ફાલ્ગુની એન. સોલંકીને ભુજ ખાતે એડીશ્નલ સિવિલ જજ તરીકે મુકવામાં આવેલ છે. જયારે આ અગાઉ પોસ્ટીંગ મેળવી ચુકેલા હાર્દિક મધુસુદન વૈશ્નવ અને ફારૂક રસુલભાઇને સુરેન્દ્રનગર ખાતેજ કોર્ટ બદલીના હુકમો કરવામાં આવેલ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર થયેલ યાદી મુજબ જેઓએ જયુ મેજી. અને સિવિલ જજની પરિક્ષા પાસ કરેલ તેવા ૪૦ ઉમેદવારોની એડી. સિવિલ જજ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પસંદગી યાદીમાંથી ૪૦ ઉમેદવારોને એડી. સિવિલ જજ તરીકેની નિમણુંકો આપવામાં આવી છે. એપ્રિલ ર૦૧૮માં પરિણામ જાહેર થયેલ અને તા. ૩૦ જુલાઇએ પસંદગી યાદી જાહેર કરાઇ હતી. આ ઉપરાંત સુરત, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, વિગેરે ડીસ્ટ્રીકટમાં ૯ જેટલાં જજોની સ્થાનિક કક્ષાએ કોર્ટ ટ્રાન્સફરના હુકમો થયાનું જાણવા મળે છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયમાં વધુ ૪૦ નવા જજોની નિમણુંક કરતાં ગુજરાતની કોર્ટોમાં કેસોની ઝડપી કામગીરી શરૂ થશે. નિમણુંકના હુકમો થતાં જ પસંદ થયેલા એડી. સિવિલ જજ તરીકેનો ચાર્જ સંભાળવાની નિયુકત જજો દ્વારા કાર્યવાહી શરૂ થઇ ગયેલ છે.