વાલિયા:ગણેશ ખાંડ ઉધોગની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવા 490 સભાસદો સાથે સંદીપ માંગરોલાનું શક્તિ પ્રદર્શન
– વાલિયા APMC માં ચૂંટણી પરિસંવાદ યોજ્યા બાદ રાજ્યપાલને સંબોધતુ આવેદન મામલતદારને અપાયું
– સંસ્થાની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી તાત્કાલિક યોજવા, 31 ડિસેમ્બરે મુદત પૂર્ણ થયા બાદ નવું ચુંટાયેલ બોર્ડ સત્તા સંભાળે ત્યાં સુધી હાલનું બોર્ડ ચાલુ રહેવું જોઇએ, સંયુક્ત રજીસ્ટ્રાર અને સભ્ય બોર્ડ ઓફ નોમીનીસ વડોદરાની શંકાસ્પદ કામગીરીની તપાસ કરી- તેઓ સામે કાયદેસર નાં પગલા માંગ
– રાજકીય ઇશારાથી સંસ્થાની વ્યવસ્થા કમિટીની 31 ડિસેમ્બર ની મુદત પુર્ણ થતાં વહીવટદારના દરવાજા ખોલીને સંસ્થા અને સભાસદોનું નુકશાન કરવાનું આયોજનબધ્ધ કાવતરૂનો આક્ષેપ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયાની ગણેશ સુગરની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયુ છે. સોમવારે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી તાત્કાલિક યોજવા સહિતની માંગ સાથે વાલિયા APMC માં સંદીપ માંગરોલા એ ચૂંટણી પરિસંવાદ યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું.
વાલિયા મામલતદારને રાજ્યપાલને સંબોધી 490 સભાસદોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ભરૂચ અને સુરત જીલ્લાનાં 18000 જેટલા ખેડુત સભાસદોની શેરડી પીલાણ કરીને લગભગ 10000 જેટલા પરિવારો ને આર્થિક આજીવિકા પુરી પાડવાનું કામ છેલ્લા 35 વર્ષે થી આદિવાસી વિસ્તારમાં કરી રહી છે.
ખાંડ મંડળી ની વ્યવસ્થાપક કમિટીની મુદત 12 જૂન નાં રોજ પુર્ણ થયેલ હતી પરંતુ દેશવ્યાપી કોવીડ -19 ની મહામારી ના કારણે રાજય સરકાર દ્રારા વખતો વખત જાહેરનામાઓ બહાર પાડી વ્યવસ્થાપક કમિટીની મુદત તા.31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ હતી. જેમાં બીજી વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધર્યા બાદ પરવાનગી મળતા 13 નવેમ્બરે ફરી જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે 2 સભાસદો દ્વારા સંયુક્ત રજિસ્ટ્રાર અને સભ્ય બોર્ડ ઓફ નોમિનિસ વડોદરામાં ગણેશ સુગરની ચૂંટણી અને જાહેરનામાની કાર્યવાહી સામે 620/2020 થી દાવો દાખલ કર્યો હતો.
ગણેશ સુગરના જાહેર થયેલા ચુંટણી કાર્યક્રમને અટકાવવાની કોઈ પણ બોર્ડ ઓફ નોમીનીસને સત્તા ન હોવા છતાં રાજકીય ઇશારા થી એક પાર્ટી સ્ટે આપી દેવામાં આવેલ હોવાનો આક્ષેપ કરાયો છે. સંપુર્ણ કાયદા કાનુન વિરૂધ્ધ ની પ્રક્રિયા હાથ ઘરી માત્ર સંસ્થાની મુદત 31 ડિસેમ્બરે પુર્ણ થાય ત્યાં સુધી યેનકેન પ્રકારે ચુંટણી ટાળવા માટે નો જે ખેલ કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા ખેલાઇ રહયો છે એના સહભાગી બોર્ડ ઓફ નોમીનીસ વડોદરા પણ બનેલ છે.
નિયમાનુસાર કોઈ પણ કામચલાઉ મનાઇ હુકમ 30 દિવસ થી વઘુ રાખી શકવાની જોગવાઈ ન હોવા છતાં રાજકીય ઈશારાઓથી તેઓ દ્વારા આ નિતિ નિયમોનું પણ ઉલ્લઘંન કરાઈ રહયુ છે. રાજકીય ઇશારાથી સંસ્થાની વ્યવસ્થા કમિટીની તા : 31 ડિસેમ્બર ની મુદત પુર્ણ થતાં વહીવટદાર , કસ્ટોડીયન ના દરવાજા ખોલીને સંસ્થા અને સભાસદોનું નુકશાન કરવાનું આયોજનબધ્ધ કાવતરૂ ગોઠવાઈ રહેલ છે. જે સંદર્ભમાં સોમવારે ગણેશ સુગરના મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડુત સભાસદો એ મામલતદાર વાલીયા મારફતે રૂબરૂ હાજર રહી આવેદનપત્ર દ્વારા ન્યાયીક માંગણી રજુ કરી હતી.
જેમાં સંસ્થાની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી તાત્કાલિક યોજવામાં આવે, 31 ડિસેમ્બરે મુદત પૂર્ણ થતાં નવું ચુંટાયેલ બોર્ડ સત્તા સંભાળે ત્યાં સુધી હાલનું બોર્ડ ચાલુ રહેવું જોઇએ અને સંયુક્ત રજીસ્ટ્રાર અને સભ્ય બોર્ડ ઓફ નોમીનીસ વડોદરા ની શંકાસ્પદ કામગીરી ની તપાસ કરી તેઓ સામે કાયદેસર નાં પગલા ભરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.