વાલીયા વિસ્તાર પરમ પૂજ્ય રંગ અવધુત મહારાજ શ્રધ્ધા ધરાવતો વિસ્તાર છે અને પુનમના દિવસે સેંકડો ભક્તો વાલીયા થી નારેશ્વર જાય છે. આ રંગ ભક્તોને પુનમ ભરવા માટે ખુબ દુર જવુ પડતું હતું. તે ધ્યાનમાં રાખી સ્થાનિક આગેવાનો બળવંત સિંહ ગોહીલની રજુઆત ના અનુસંધાને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ભલામણ કરતા અંકલેશ્વર એસ.ટી ડેપોમાંથી દરેક પૂનમના દિવસે નારેશ્વર ભક્તો જઈ શકે તે માટે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાદરવી પૂનમના પવિત્ર દિવસથી આ સેવા શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે અવધુત પરિવારના ભક્તો દત્ત બાવનીનો પાઠ કરી સાથે શ્રીફળ વધેરી વાલીયા થી આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. વાલીયાથી નારેશ્વર જતી આ બસ વાલીયા થી ૭:૦૦ વાગે ઉપડી હીરાપોર અને લીમેટ ઝઘડીયા થઈ ગોવાલી અને ત્યાંથી ભરૂચ જીએનએફસી બસ સ્ટેન્ડ અને ત્યારબાદ પાલેજ થઈ નારેશ્વર જશે. અને નારેશ્વર માં બે કલાક રોકાણ કરી પરત ફરશે. વર્ષો પહેલા રંગ અવધુત મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે વાલીયા થી નારેશ્વર નિયમિત બસ સેવા શરૂ થયેલી પરંતુ જે તે સમયે યોગ્ય ટ્રાફિક ન મળવાને કારણે અને રસ્તાની વિસંગતાઓને કારણે આ બસ સેવા બંધ થઈ ગઈ હતી. વર્ષો પછી ફરીથી રંગ ભક્તોને અનુકુળતા થાય તે માટે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે જેનો લાભ ખુબ મોટી સંખ્યામાં અને આજુબાજુના ગામના લોકો લેશે. આ બસ સેવાને કારણે આ દિવસે નારેશ્વર દર્શનાર્થે જતા હોય વૃધ્ધ વડિલો અને બહેનોને પણ ખુબ જ અનુકુળતા થશે.