કોસંબા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ ખાતે થોભાવાતા મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા…
(રફીક મલેક, જંબુસર)
છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસેલા વરસાદને પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ભારે વરસાદને પગલે લોકો હાડમારીમાં મુકાયા છે. ભારે વરસાદથી રેલવે વ્યવહાર પણ અસરો થવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પાસે રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે સવારે ૧૦.૩૦ વાગ્યાથી પાલેજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેનને પાલેજ ખાતે થોભવી દેવાઇ હતી.
ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન ખાતે થોભાવી દેવાતા ટ્રેનમાં સવાર મુસાફરો ભારે હાલાકીમાં મૂકાયા હતા. ટ્રેન થોભાવી દેવાતા મુસાફરોનો રેલવે તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ પણ નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન ખાતે ઉભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવજીવન એક્સપ્રેસ ટ્રેનને પુનઃ અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે એમ ટ્રેનમાં સવાર મુસાફરો પાસેથી જાણવા મળ્યું હતું. પાંચ કલાક ઉપરાંતથી પાલેજ ખાતે નવજીવન એક્સપ્રેસ ટ્રેનને અટકાવી દેવાતા ટ્રેનમાં સવાર મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા…