વાગરા ખાતે વન વિભાગ તેમજ માધ્યમિક અને કુમાર શાળાના છાત્રો દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
વાગરા પંથકમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગ તેમજ માધ્યમિક અને કુમાર શાળાના છાત્રોએ પ્લેકાર્ડ અને સૂત્રો પોકારી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. વાગરા ફોરેસ્ટ ઓફીસ અને પશુ દવાખાનામાં ઘાયલ પક્ષીઓને બચાવવા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ઉતરાણ પર્વને ધ્યાને લઇ વાગરા નગરમાં વન વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તેમજ તેને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે ખાસ મુહિમ વન વિભાગ ચલાવી રહ્યું છે. જેના ભાગરૂપે વાગરા નગરમાં માધ્યમિક સ્કૂલ તેમજ કુમાર શાળાના બાળકોએ કરુણા રેલી કાઢી હતી. વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ દર્શાવી, સૂત્રો પોકારી નગરજનોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ, કરુણા અભિયાનને સફળ બનાવવા તાલુકાની શાળાઓમાં ચાઈનીઝ, સિન્થેટિક અને કાચ પીવડાવેલ દોરીનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સાથે જ ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે વાગરા વન વિભાગની કચેરી તેમજ પશુ દવાખાનામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જો કોઈક ઘાયલ પક્ષી દેખાય તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરના મોબાઈલ નંબર ૯૭૨૪૭૦૭૯૦૭ અને પશુચિકિત્સકના મોબાઈલ નંબર ૭૦૪૬૭૦૦૨૬૨ ઉપર કોલ કરી પક્ષીઓને બચાવવા આરએફઓ. વી.વી.ચારણએ લોકોને અપીલ કરી હતી. કરુણા રેલીમાં વનપાલ ઓ.એસ.મિશ્રા, એ.આઈ.નિયાતર, એન.ટી.પગોર, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.