વડોદરા નજીક નેશનલ હાઇવે પર વરસડા ગામ પાસે આવેલી હોટલની પાછળ કન્સ્ટ્રક્શનમાં વપરાતા સ્ટીલની ચોરીના ચાલી રહેલા વ્યવસ્થિત કૌભાંડનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં પોલીસે 37.36 લાખ રૂપિયાનું સ્ટીલ, ટ્રેલરો મળીને કુલ રૂપિયા 57.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તે સાથે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર વરસડા ગામ પાસે આવેલી અમૃતસર ખાલસા નામની હોટલની પાછળના ભાગમાં કન્સ્ટ્રક્શન સ્ટીલ ચૌરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જેના આધારે પી.એસ.આઇ. એમ.બી. રાણા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો અને સ્ટીલ ચૌરીના ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ ઉપરથી સ્ટીલ લોડ કરેલા ટ્રકોમાંથી સ્ટીલ ઉતારવા માટે આવેલા બે ટ્રેલર તેમજ સ્થળ પર જમા કરવામાં ચોરીનું સ્ટીલ, 3 મોબાઇલ ફોન, રોકડ રૂપિયા 12,530, ટ્રેલરમાં લોડ કરેલ 60,269 સ્ટીલનો જથ્થો, સ્થળ પરથી 350 કિલો સ્ટીલનો જથ્થો મળી કુલ રૂપિયા 57,85,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત પોલીસે પોતાના ટ્રેલરમાં લોડ કરેલા સ્ટીલમાંથી સ્ટીલ ઉતારવા આવેલા ટ્રેલર ચાલકો, કિલનરો દજીતસિંઘ સુખચેનસિંઘ બટલર, લવપ્રિતસિંઘ દલજીતસિંઘ સોઢા, સર્વેશ ગંગારામ પાલ અને પન્નાલાલ રામબચ્ચન યાદવની ધરપકડ કરી હતી. જ્યારે વિક્રમસિંઘ દલબિરસિંઘ ઉર્ફ કાલાસિંઘ સંધુને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે આ બનાવ અંગેની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.