વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામમાં પાડાથી બચવા માટે દોડેલી ભેંસ કૂવા ઉપર મૂકેલું પતરું તોડીને કૂવામાં પડી ગઇ હતી. કૂવામાંથી ભેંસને બહાર કાઢતી વખતે દોરડુ તૂટી જતા સાસરીમાં આવેલા જમાઇનું ભેંસ નીચે દબાઇ જતાં મોત થયું હતું. વડોદરા ફાયર બ્રિગેડે રાત્રે સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભેંસ અને યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવે વેજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
ડેસર તાલુકાના વેજપુર વાંટા ફળિયામાં રહેતા ઉદાભાઈ સનાભાઇ પરમારની ભેંસ તેના પાડાના કારણે ભડકીને નાસભાગ કરતી હતી. તે સમય દરમિયાન વિજય પુવારના ખુલ્લા વાડામાં અવાવરું કૂવા ઉપર ઢાંકેલા પતરા હોવા છતાં ભેંસના વજનના કારણે સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં કૂવામાં ખાબકી હતી. ઉદાભાઈ પરમારની ભેંસ કૂવામાં પડી જતાં, વેજપુર ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેને બહાર કાઢવા માટે અવનવા કીમીયા અજમાવતા હતા.
આ દરમિયાન ઉદાભાઈ પરમારની પત્ની લીલાબેને પંચમહાલના એરાલ ખાતે તેઓની દીકરી કોકીલા પરમારને ફોન કરી જાણકારી આપી હતી કે, આપણી ભેંસ કૂવામાં પડી છે. એરાલ ખાતે દીકરીના મકાનનો સ્લેબ ભરાતો હોવાથી તેનો ભાઈ પીન્ટુ પણ બહેનના ઘરે હતો. કૂવામાં પડેલી ભેંસને બહાર કાઢવા માટે એરાલથી બાઇક લઈને વેજપુર આવવા માટે નીકળી રહ્યો હતો. તેઓની સાથે તેના બનેવી રાજુભાઈ મંગળભાઈ પરમાર (ઉ. 38) પણ વેજપુર આવી પહોંચ્યા હતા.
અવાવરું કૂવામાં બે ત્રણ દિવસ પહેલા એક ભૂંડ પડીને મરણ પામ્યું હોવાથી કુવાની આજુબાજુ અસહ્ય દુર્ગંધના કારણે ઉભું રહેવાય તેવી પણ સ્થિતિ ન હતી, તેમ છતાં જમાઈ રાજુ પરમાર કૂવાની અંદરથી ભેંસનો અવાજ આવતો હોવાથી 100 ફૂટ જેટલા ઊંડા અને સાંકડા કૂવામાં દોરડાની મદદથી ઉતર્યા હતા. દોરડાથી ભેંસને બાંધીને બહાર કાઢતી સમયે 40 ફૂટ જેટલા ઉપરથી દોરડું તૂટતા પરત ભેંસ કૂવામાં ખાબકી હતી. ભેંસની નીચે જમાઈ રાજુ પરમાર દબાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેઓનું અને ભેંસનું મોત નીપજ્યું હતું.