સૌજન્ય/વડોદરા: શહેરની 26 વર્ષીય મહિલા ફૂટબોલ પ્લેયરે પ્રોફેશનલ “C” લાઇસન્સ કોર્સની એક્ઝામિનેશન ક્લિયર કરી ગુજરાતની યંગેસ્ટ મહિલા ફૂટબોલ કોચની સિદ્ધિ હાંસલ કરી છે. આવનારા સમયમાં આ મહિલા કોચ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અને બરોડા ફૂટબોલ એસોસિયેશનની ટીમને કોચિંગ આપશે. આ મહિલા ફૂટબોલર 4 વર્ષ અગાઉ નેશનલ એથ્લેટિક્સ પ્લેયર હતી. સ્પાઇન ઇન્જરી થયાં પછી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની “C” સર્ટિફિકેશન કોર્સની એક્ઝામ રાજકોટમાં કરવામાં અાવી હતી. તેમાં ભારતભરમાંથી 24 ફૂટબોલ પ્લેયર પૈકી એકમાત્ર વડોદરાની 26 વર્ષીય મહિલા ફૂટબોલર તરન્નુમ શેખે ભાગ લઇ “C” સર્ટિફિકેશન કોર્સની એક્ઝામ ક્લિયર કરી ફૂટબોલ કોચ બની હતી. જે બદલ ગુજરાત ફૂટબોલ એસોસિયેશન દ્વારા તરન્નુમ શેખને યંગેસ્ટ મહિલા ફૂટબોલ કોચની સિદ્ધિ આપવામાં આવી હતી. આવનારા સમયમાં તરન્નુમ ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમ અને બરોડા ફૂટબોલ એસોસિયેશનની ટીમને કોચિંગ આપશે.
અગાઉ તે નેશનલ લેવલની એથ્લેટિક્સ પ્લેયર હતી. 2013માં એથ્લેટિક્સ રમત રમી રહ્યાં હતાં તે દરમિયાન સ્પાઇન ઇન્જરી થતાં તરન્નુમે ડોકટરની સલાહ અનુસાર એથ્લેટિક્સ રમત છોડી ફૂટબોલની રમત રમવાનું શરૂ કર્યું હતું. ફૂટબોલમાં બરોડા ફૂટબોલ એકેડમીમાં રમવાનું શરૂ કર્યા બાદ બરોડા ડિસ્ટ્રિકટ ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને સતત સારું પ્રદર્શન આપી ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમને 2 વર્ષ માટે રિપ્રેઝન્ટ કર્યું હતું.