વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજે પાલિકાની ઢોર પાર્ટીની કામગીરીમાં અવરોધ પાડી પકડેલા ઢોર છોડાવી જતા પાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. અગાઉ પણ ગોરવા વિસ્તારમાં ઢોર પાર્ટીએ પકડેલી ગાય ગૌપાલકો છોડાવી ગયા હતા.
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવીને ઇજા પામે છે જ્યારે કેટલાક કિસ્સામાં આખી જીંદગીની ખોડ ખાપણ રહી જાય છે. શહેરી વિસ્તારમાં રખડતા ઢોર માટે બનાવાયેલી પોલિસી આગામી ચૂંટણીલક્ષી એજન્ડાને પગલે પડતી મુકવામાં આવી છે. ત્યારે શહેરને હજી રખડતા ઢોરોથી મુક્તિ મેળવવામાં સમય લાગશે તેમ લાગી રહ્યું છે.
આજે શહેરના આજવા રોડ પર નવા રાત્રી બજાર પાસે ઢોર પાર્ટીએ એક ભેંસ પકડતા ગૌપાલકોએ ઢોર પાર્ટીને ઘેરી લીધી હતી. સાથે પોલીસ બંદોબસ્ત હોવા છતાંય બળ પ્રયોગ કરીને ભેંસને છોડાવી ગયા હતા. આ અંગે બાપોદ પોલીસ મથકે પાલિકાના ઢોર પાર્ટીના અધિકારીઓ એ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.