વડોદરા શહેરના ઇસ્કોન દ્વારા આગામી તા. 1 લી જુલાઇના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41 મી રથયાત્રા રેલવે સ્ટેશન સામેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાશે. કોરોનાકાળ બાદ અષાઢી બીજે નિકળનારી 41 મી રથયાત્રામાં લાખો ભાવિકો જોડાશે. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાન, એર બેક સિસ્ટમ, જંપર – પાટા, ગીસિંગ, ફેબ્રિકેશન, શણગાર સહિતની કામગીરીનો દોર જારી છે. કલાનગરીના કલાકારો રથને ગોલ્ડન, સિલ્વર, યલો, ગ્રીન, સ્કાય બ્લ્યૂ સહિતના ભાતિગળ રંગોથી સજાવી દીધો છે. આ વર્ષે રથના લાકડા બદલવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ભગવાનના રથ માટે સંખેડાથી બાવળના લાકડા મંગાવવામાં આવ્યા હતાં.
જેમાં શહેરની આર્ટીસ્ટ ઉન્નતિ કહારે જણાવ્યું કે, હું છેલ્લા 8 વર્ષથી આ રથનું રંગરોગાન કરતી આવી છું. મારે માટે આ એક ખૂબ જ સૌભાગ્યની વાત છે કે મને ભગવાન શ્રીજગન્નાથજીના રથને શણગારવાની તક મળી છે. હું 8 વર્ષ પહેલાં અહીં જ્યારે ભગવાનના દર્શન કરવા આવી હતી અને ત્યારે મંદિરના મહારાજ સાથે વાત કરતા જાણ થઈ કે આવું રથને રંગરોગાન કરવાનું છે. ત્યારથી હું અહીં દર વર્ષે સેવા આપી રહી છું, જેનો મને ઘણો આનંદ છે.
વધુમાં જણાવ્યું કે, આ રથની ડિઝાઇન જગન્નાથપુરીના રથ જેવી જ રાખવામાં આવી છે. તથા આ સેવામાં શહેરના ઘણા આર્ટીસ્ટ પણ જોડાયા છે. જેને લઈને આ કામ ઝડપથી પૂર્ણ થયું. રથયાત્રાના રૂટ પર ભક્તોને 30 ટન શિરાનો પ્રસાદ વિતરણ કરાશે. શહેરના ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે તા. 1 લી જુલાઇના રોજ બપોરે 2 કલાકે રેલવે સ્ટેશનથી ભગવાન શ્રીજગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઇ બળદેવજીને શણગારેલા રથમાં બિરાજમાન કરાવી 41 મી રથયાત્રા પ્રસ્થાન કરાવાશે, એવું ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીજીએ જણાવ્યું હતું.
હરે ક્રિષ્ણા, હરે રામનો નાદ ગુંજશે અષાઢી બીજે રથયાત્રા દરમિયાન દેશ વિદેશના ભક્તો ભક્તિ સંગીતના તાલે નૃત્ય કરવા સાથે હરે ક્રિષ્ણા, ક્રિષ્ણા ક્રિષ્ણા હરે – હરે, હરે રામ હરે રામ, રામ – રામ હરે – હરેના નાદ સાથે ભગવાનની નગરચર્યામાં જોડાશે.
વડોદરામાં જગન્નાથજીના રથનાં રંગકામ – સમારકામને આખરી ઓપ અપાયો.
Advertisement