વડોદરાના ઇલોરા પાર્ક ખાતે આવેલ તેજસ સ્કૂલમાં અભ્યાસ કરતા મીત રાહુલ ગૌતમ નામના વિદ્યાર્થીએ આજે ચીનનો એક મિનિટમાં મોસ્ટ રિવર્સ લન્જિસ ઓન સ્લાઇડિંગ ડિસ્કનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તેણે રિવર્સ લન્જિસનો ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે.
ચીનનો 1 મિનિટમાં 55 રિવર્સ લન્જિસનો રેકોર્ડ તૂટ્યો શહેરના રેસકોર્સ ઇલોરા પાર્ક ખાતે આવેલ તેજસ સ્કૂલના ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મીત ગૌતમે આજે સાંજે યોજાયેલ અટેમ્પ્ટમાં એક મિનિટમાં 71 રેપ્સ એટલે કે સ્લાઇડિંગ ડિસ્ક પર રિવર્સ લન્જિસ કર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ચીનના નામે હતો. જેમાં ચીનના નીએ ફાનયાઓએ એક મિનિટમાં 55 રિવર્સ લન્જિસ કર્યા હતા.
મીતનું આર્મીમાં જોડાવવાનું સપનું મીત ગૌતમે જણાવ્યું હતું કે, રિવર્સ લન્જિસમાં એક સ્લાઇડિંગ ડિસ્ક પર રેપ્સ એટલે કે રિવર્સ લન્જિસ કરવાના હોય છે. આ કામ ખૂબ જ અઘરું છે. ભવિષ્યમાં હું આર્મી જોઇન કરવા માંગુ છું. મારી સફળતાનો શ્રેય હું મારા માતા-પિતા અને કોચને આપું છું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના સફળ અટેમ્પ્ટ પ્રસંગે ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.