ભણતર (Education) એ દરેક વિદ્યાર્થીના જીવનનું એક અગત્યનું પાસું હોય છે. જેટલું ભણતર સારું, એટલું ભવિષ્ય ઉજ્જવળ બને. જેથી દરેક મા બાપ એવું જ ઇચ્છતા હોય કે એમનું બાળક એ સારી શાળામાં અભ્યાસ કરે. અત્યારના યુગમાં સારી શાળાની પરિભાષા એવી છે કે, જે શાળાની ફી વધારે હોય એ શાળામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત થઈ શકશે. પરંતુ આ પરિભાષાને ખોટી પાડતી વડોદરા શહેરની એક સરકારી શાળા છે. આ સરકારી શાળા જેમાં ફી માફ (Free Education) છે, તથા તમામ સુવિધાઓથી (Facilities) પણ સજ્જ છે.
ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ (Gangabai Sarvajanik High school), જે વડોદરા શહેરના છાણી (Chhani) વિસ્તાર ખાતે આવેલ છે. આ એક માત્ર એવી શાળા છે જ્યાં એડમિશન લેવા માટે લાંબી લાઈન લાગતી હોય છે. ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં બાળ વિભાગ, પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ આવેલ છે. આ શાળામાં 1 થી 12 ધોરણની ફી માફ છે. પરંતુ બાળ વિભાગમાં ભોજન સહિત અભ્યાસની વાર્ષિક માત્ર 4 હજાર રૂપિયા જ ફી લેવાય છે.
ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં AC કોમ્પ્યુટર લેબ, CCTV અને RO પ્લાન્ટ, વિશાળ મેદાન, સાયન્સ લેબ, કેન્ટીન, લાઈબ્રેરી, સારા મોટા વર્ગખંડો આવેલ છે. આ શાળામાં મધ્યહાન ભોજન પણ બાળકોને આપવામાં આવે છે. તથા પુસ્તકો, નોટબુકો, સ્ટેશનરી, સ્કૂલના યુનિફોર્મ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ઘણા દાતાઓ અહીં સહાય કરી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળી રહે. આ સ્કૂલમાં ધોરણ 1 થી 8 ના બબ્બે વર્ગ છે. ધોરણ 9 ના પાંચ વર્ગ છે અને ધોરણ 10 ના ચાર વર્ગ છે. જ્યારે ધોરણ 11 અને 12 માં આર્ટ્સ – કોમર્સના બબ્બે વર્ગ છે.
ધોરણ 1 થી 8 માં બબ્બે વર્ગ છે. દરેક વર્ગમાં 60 વિદ્યાથી છે. આમ પ્રાથમિક વિભાગમાં 960 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. છેલ્લાં 10 વર્ષથી સ્કૂલમાં છોકરીઓની સંખ્યા વધતી જાય છે અને છોકરાઓની સંખ્યા ઘટતી જાય છે, એટલે કે 960 માંથી 600 તો વિદ્યાર્થિની છે, એટલે કે પ્રાથમિક સ્કૂલમાં 60 ટકા છોકરીઓ છે અને 40 ટકા છોકરા છે.
ધોરણ 9 થી 12 માં કુલ 750 વિદ્યાર્થી છે, જેમાં છોકરીઓની સંખ્યા 450 છે અને છોકરાઓની સંખ્યા 300 છે, એટલે કે એમાં પણ 60 ટકાથી વધુ છોકરીઓ છે. પરીક્ષાના પરિણામમાં પણ ટોપ થ્રીમાં છોકરીઓ હોય છે.
આ શાળાનું વાર્ષિક પરિણામમાં ધોરણ 10 નું પરિણામ 50% જેટલું અને ધોરણ 12 નું પરિણામ 90% જેટલું આવતું હોય છે. જેમાં શાળાના પ્રિન્સિપાલ એ જણાવ્યું કે, ધોરણ 10 માં 75% જેટલું અને ધોરણ 12 માં 100% પરિણામ આવે એવો અમારો પ્રયાસ ચાલી રહ્યો છે. આ શાળા ગુજરાતી માધ્યમની છે. તથા અહીં ધોરણ 11-12 માં કોમર્સ અને આર્ટ્સના વિષય ઉપલબ્ધ છે.
જુનિયર – સિનિયર KG માં 100 બેઠક સામે 150 અરજી આવતી હોય છે. સ્કૂલમાં બાળમંદિર વિભાગ પણ ચાલે છે, જેથી છાણી ગામના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનાં બાળકોને પણ સારું શિક્ષણ મળે એ માટે મંડળ દ્વારા સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ નર્સરી, સિનિયર કેજી અને જુનિયર કેજીના વર્ગ ચલાવાય છે. અહીં એકવાર જે એડમિશન લેતા હોય છે, એ પછી 12 માં ધોરણ સુધી અહીં જ અભ્યાસ પ્રાપ્ત કરતા હોય છે. જો આ શાળામાં અભ્યાસ માટે બાળકને મૂકવું હોય તો શાળામાં આવીને ફોર્મ ભરવાનું હોય છે. જેમાં બાળકનું જન્મનું પ્રમાણ પત્ર, આધાર કાર્ડ જરૂરી હોય છે. અહીં એડમિશન આપવા માટે પ્રથમ પ્રાથમિકતા છાણી ગામના રહેવાસીને મળે છે. ત્યારબાદ જ બીજા લોકોને એડમિશન મળી શકે.