વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે સમગ્ર પથંકમાં ચકચારી મચી જવા પામી છે. એટલું જ નહીં અમદાવાદની આયેશા જેમ જ આ યુવતીએ પણ આપઘાત પહેલા વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા વડોદરા શહેરના તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી 25 વર્ષીય નફીસા ખોખરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નફીસા અમદાવાદમાં રહેતા રમીઝ નામના યુવકના પ્રેમમાં હતી. અમદાવાદના યુવકના પ્રેમમાં આપઘાત કર્યાના આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવકે લગ્નની લાલચ આપી ત્યારબાદ વિશ્વાસઘાત કરતા નફીસા આઘાતમાં આવી ગઈ હતી. જેથી નફીસાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નફીસાએ અમદાવાદમાં બે વખત આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નફીસાએ આપઘાત કરતા પહેલા અમદાવાદ રીવરફ્રન્ટ પર વીડિયો પણ બનાવ્યો હતો. જોકે તેનો આપઘાતનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. અને તે પરત વડોદરા આવી હતી. જ્યાં બે દિવસ અગાઉ નફીસાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસવાળાને ફરિયાદ લેવાનું કહેતા પોલીસવાળાઓએ ધક્કા ખવડાવ્યા હતા. જોકે હાલ આ મામલે જે.પી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે નફીસાએ આપઘાત પહેલા બનાવેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.