(સૌજન્ય)પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મદનઝાંપા રોડ ઉપર બી-206, સાંઇવંદન એપાર્ટમેન્ટમાં રહેતા કપિલાબહેન અરવિંદભાઇ ખારવા સવારે 8-30 કલાકે પેન્ટર તાનાજીની ગલી પાસેથી પસાર થતા હતા. દરમિયાન હેલ્મેટધારી બે મોટર સાઇકલ પાછળથી આવ્યા હતા. અને તેઓનો દોઢ તોલા વજનનો રૂપિયા 30 હજારની કિંમતનો અછોડો લૂંટી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
કપિલાબહેન ખારવાને નિશાન બનાવ્યા બાદ આ ટોળકીએ બગીખાના 5, ગુરૂકૃપા ધાયબર રેસીડેન્સ કમ્પાઉન્ડમાં રહેતા પ્રભાકર ગણપતરાવ ધાગને નિશાન બનાવ્યા હતા. પ્રભાકરભાઇ ધાગ પોતાની સોસાયટી પાસે ઉભા હતા. ત્યારે ટોળકી તેમને સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવી હતી. અને તેમના ગળામાંથી 1 તોલા વજનની સોનાથી મઢેલી રૂદ્રાક્ષની માળા રૂપિયા 20,000 કિંમતની લૂંટી ગયા હતા. આ બનાવ અંગે પણ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
તે બાદ ટોળકીએ 7, જયભારત કોલોની, દિવાળીપુરા ખાતે રહેતા પ્રિતીબહેન પ્રવિણભાઇ મરાઠે (ઉં.વ.65) અને રાજલક્ષ્મી સોસાયટી, જુના પાદરા રોડ ઉપર રહેતા કંચનબહેન સંદિપભાઇ તિવારી (ઉં.વ.88) જુના પાદરા રોડ ઉપર શાદ મટન શોપ પાસે ઉભા હતા. તે સમયે હેલ્મેટધારી બે મોટર સાઇકલ સવારો આવી પહોંચ્યા હતા. અને પ્રિતીબહેન મરાઠેના ગળામાંથી રૂપિયા અઢી તોલા વજનનું રૂપિયા 50,000 કિંમતનું મંગળસૂત્ર તેમજ કંચનબહેન તિવારીના ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતની દોઢ તોલાની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.
જુના પાદરા રોડ ઉપર બે મહિલાઓને પોણો કલાકમાં નિશાન બનાવ્યા બાદ ટોળકીએ 11-45 વાગ્યાના સુમારે 31, મધુપાર્ક ઝૂપડપટ્ટી, વાઘોડિયા રોડ ઉપર રહેતા મધુબહેન નગીનભાઇ માછી પુનિતનગર, વાઘોડિયા રોડ ઉપર ઉભા હતા. તે સમયે હેલ્મેટધારી બાઇક સવાર બે યુવાનો તેમના પાસે ધસી આવ્યા હતા. અને તેમના ગળામાંથી પોણા બે તોલા વજનનો રૂપિયા 35000 કિંમતનો અછોડો તોડી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
શહેરમાં આજે સવારે 4 કલાકમાં 3 મહિલાઓ સહિત 5 વ્યક્તિઓના અછોડા, મંગળસૂત્ર અને રૂદ્રાક્ષની માળા લૂંટી આતંક મચાવનાર ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ ચારે ગુન્હામાં એકજ ટોળકી હોવાનું અનુમાન લગાવ્યું છે. અને તમામ વિસ્તારોમાંથી સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી ટોળકીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.