પી.એમ નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે વડોદરાના આજવા રોડ પર લેપ્રસી મેદાન ખાતે યોજનારી જાહેર સભામાં લાખો લોકો ઉમટી પડે તે માટે ભાજપે અને સરકારે કમર કસી છે. આ સભા દરમિયાન પીએમ મોદી હજારો કરોડો રૂપિયાની યોજનાઓનો પ્રારંભ કરાવવાના છે તેમજ લોકાર્પણ પણ કરવાના છે.
વડોદરા સહિતના પાંચ જિલ્લાના લોકો આ સભામાં હાજર રહેવાની શક્યતા હોવાથી વડોદરા બહારથી લોકોને લાવવા માટે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાંથી ૩૦૦૦ જેટલી એસ.ટી બસો તૈનાત કરવામાં આવી છે. આ પૈકીની કેટલીક એસ.ટી બસો આજે નવલખી મેદાન ખાતે પાર્ક કરાઈ હતી. જ્યાંથી તેને રાત્રે અલગ-અલગ સ્થળોએ રવાના કરવામાં આવી હતી. આ બસો આજે સવારે અન્ય શહેરો અને ગામડાઓમાંથી લોકોને લઈને સભા સ્થળે પહોંચશે. એસટી બસોને સભા માટે મોકલવાના કારણે ઘણા લોકોની બહારગામ જવાની યોજનાઓ અટવાઈ ગઈ છે અને અગાઉથી કરેલા બૂકિંગ પણ કેન્સલ થયા છે.
ત્યારે એસ.ટી ની 3000 જેટલી બસો PM મોદીના કાર્યક્રમ માટે રિઝર્વ કરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં કેટલાક રૂટની બસોમાં કાપ મુકાતા દરરોજ અપડાઉન કરતા નોકરીયાત તેમજ વિદ્યાર્થીવર્ગને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.